બચુભાઈ એક ઈમાનદાર, મહેનતુ અને સમર્પિત નોકરિયાત માણસ છે અને છેલ્લા 30 વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે, જે કંપની તેના પરમ મિત્રની છે એટલે ડિગ્રી ના હોવા છતાં પણ બચુભાઇને ત્યાં સરળતાથી જોબ મળી જાય છે અને નિષ્ઠાથી તે પોતાની નોકરી કરે છે. મિત્રના અવસાન બાદ મિત્રનો પુત્ર ભરત કંપની ચલાવે છે અને કેટલાક સમય બાદ કોરિયન કંપની તેને ટેકઓવર કરે છે, હવે કોરિયન કંપનીની પોલિસી પ્રમાણે ત્યાં નોકરી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજ્યુએટ જોઈએ અને બચુભાઇ ગ્રેજ્યુએટ ના હોવાથી તેમને દુઃખી હૃદય સાથે નોકરી છોડવી પડે છે.\
બચુભાઇના બીમાર પત્ની મરતા પહેલા તેમની પાસેથી વચન લે છે કે તે પોતાનું ગ્રજ્યુએશન પૂરું કરે અને નોકરી વટથી પાછી મેળવે.
પછી તો શું બચુભાઈ રિટાયરમેન્ટ લેવાની ઉંમરમાં કોલેજમાં પ્રવેશ મેળવે છે અને અનુભવી બચુભાઈ પ્રોફેસરોની પણ ભણાવવામાં ભૂલો કાઢે છે અને મસ્તીની સાથે સાથે અભ્યાસ કરે છે, ફેસ્ટમાં ભાગ પણ લે છે.. આ દરમ્યાન સર્જાતી રમૂજ પ્રેક્ષકોને મોજ કરાવે છે. ફિલ્મમાં હાસ્ય સાથે વ્યંગનું પણ મિશ્રણ જોવા મળે છે.
ફિલ્મમાં મુખ્ય પાત્રમાં સિધ્ધાર્થ રાંદેરીયાની સાથે અપરા મહેતા, નમન ગોર, પૂર્વી પલન, ઓમ ભટ્ટ, અમિત સિંહ જોવા મળે છે. ફિલ્મની વાર્તા ચિરાયુ મિસ્ત્રી, ઓમ ભટ્ટ અને મનન દેસાઈ દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે. ફિલ્મના દિગ્દર્શક છે રાહુલ ભોલે અને વિનીત કનોજિયા. નિર્માતા છે શરદ પટેલ, શ્રેયા પટેલ અને જ્યોતિ દેશપાંડે.
ફિલ્મ 21મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે.
ન્યુઝ આસપાસ દ્વારા “બચુભાઈ”ને 5 માંથી 3 સ્ટાર.