રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઘી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડિકેપ્ડ, અમદાવાદના ઉપક્રમે પાવનધામ ખાતે 15થી પણ વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો અનોખો કૂકિંગ શો યોજાયો હતો. આ તમામ મહિલાઓને વિવ્ધ રસોઈ બનાવીને તેમની કળા પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે ટીમ મેનેજર શ્રી કલ્પેશભાઈ ત્રિવેદી, આર. આર. ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી મુકેશભાઈ પટેલ, ઘી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડના શ્રી કાંતિભાઈ પરમાર તથા શ્રી ચંદુભાઈ ભાટી, સેક્રેટરી, ઘી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઉપસ્થિત રહ્યાં હતા.
આ એક નવીન પહેલ અંગે જણાવતાં ટીમ મેનેજર શ્રી કલ્પેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં જાગૃતતા આવે તે માટેનો છે. સામાન્ય વ્યક્તિની જેમ પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ પોતાની એક અનોખી કળા હોય છે તે આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સાર્થક કરી બતાવ્યું છે. તેઓ પણ આટલી સુંદર રસોઈ બનાવી શકે છે અને જાતે પગભર બની શકે છે. તમને કોઈ સહારાની જરૂર નથી.”
આ ઉપરાંત ટીમ મેનેજર શ્રી કલ્પેશભાઈ ત્રિવેદી સહીત આ તમામ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને આર. આર. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુ.એસ.એ. ખાતે કૂકિંગ શો કાર્યક્રમ માટે ટૂંક સમયમાં મોકલવામાં આવી રહ્યાં છે. તેમની સાથે લોકડાયરા માટે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા ઓર્કેસ્ટ્રા ટીમ પણ યુ.એસ.એ. ખાતે જશે અને પોતાની પ્રતિભા સમાજની સમક્ષ પ્રસ્તુત કરશે.