29 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં “વર્લ્ડ હાર્ટ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. હૃદયએ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે.જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી ખરાબ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે હૃદયને પણ ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે ‘વર્લ્ડ હાર્ટ ડે’ ઉજવવામાં આવે છે. ડૉક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અયોગ્ય આહારની સાથે ધૂમ્રપાનના વધતા જતા કેસો હૃદય સંબંધિત રોગોને જન્મ આપી રહ્યા છે. જે અંગે વધુ માહિતી આપવા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સનું એક પેનલ ડિસ્કશન યોજાયું હતું, જેમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતેના પ્રતિષ્ઠિત કાર્ડિયાક કન્સલ્ટન્ટ્સ- ડૉ. ધર્મેશ સોલંકી, MBBS, MD, DNB, DM(કાર્ડિયોલોજી), સિનિયર કન્સલ્ટન્ટ- ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ડૉ. જયદીપ દેસાઈ, MBBS, MD(મેડિસિન), DNB (કાર્ડિયોલોજી), સિનિયર કન્સલ્ટન્ટ- ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ડૉ. કપિલ વિરપરિયા, MBBS, MD(મેડિસિન), DM (કાર્ડિયોલોજી), સિનિયર કન્સલ્ટન્ટ – ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ડો. અભિષેક રાવલ, MBBS, MD (મેડિસિન), સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ડૉ. વર્ષિત હાથી, MBBS, MD (મેડિસિન), કન્સલ્ટન્ટ- ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ડૉ. ચિંતન મહેતા, MBBS, DNB (CVTS), કન્સલ્ટન્ટ- કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન વગેરે એ હૃદયના સ્વાસ્થ્ય વિશે મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી, જેમાં હૃદયરોગના હુમલાની સાવચેતી, લક્ષણોને ઓળખવા અને હૃદયરોગના હુમલાના જોખમને માપવા, અને કોને એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની જરૂર પડી શકે છે તે સમજવા જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત,વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નવા લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ડો. ધર્મેશ સોલંકી, (સિનિયર કન્સલ્ટન્ટ – ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ) એ હાર્ટ એટેકની સાવચેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “લાઈફસ્ટાઈલમાં ફેરફાર જેમ કે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને તમાકુ ટાળવાથી હાર્ટએટેકના જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. હૃદયની સમસ્યાના કેસમાં વધારો થવા માટે ફાસ્ટફૂડ, લાઈફ સ્ટાઈલ મુખ્ય જવાબદાર પરિબળ છે.અનેક લોકો પૂરતી કસરત કે નિયમિત વોકિંગમાં ગયા વિના અચાનક વધારે પડતો શ્રમ લઈ લે તેવા કિસ્સામાં પણ હૃદયરોગનો હુમલો થઈ શકે છે.” તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટની ભૂમિકા અને પ્રારંભિક તપાસ અને નિવારણમાં નિયમિત આરોગ્ય તપાસ પર પ્રકાશ પાડ્યો.
હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાં છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકાર સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી, તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠ દર્દ થવું, જડબામાં દુખવું, હાથ ભારે લાગવા વગેરેનો સમાવેશ થાય છે.
એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટી અંગે સમજાવતાં ડોક્ટર્સે જણાવ્યું હતું કે, “સામાન્ય ભાષામાં એન્જીયોપ્લાસ્ટી એક નોન સર્જિકલ પ્રકિયા છે. જેમાં હૃદયની માંસપેશી સુધી લોહી સપ્લાય કરનારી રક્તવાહિની એટલે કે આર્ટરીસ ખોલી દેવામાં આવે છે. હૃદયનો હુમલો અથવા સ્ટ્રોક પછી ડૉક્ટર્સ એન્જીયોપ્લાસ્ટીનજ સહારો લે છે. હાર્ટ એટેક આવે ત્યારે રક્તવાહિની બ્લોક થઈ જાય છે. જેને લીધે હૃદયની માંસપેશીઓ સુધી લોહી ઓછું પહોંચે છે અને જરૂરી ઑક્સિજન મળતો નથી. આ કારણે છાતીમાં દુખાવો થાય છે અથવા હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકના એકથી બે કલાકમાં દર્દીની એન્જીયોપ્લાસ્ટી થઈ જવી જોઈએ. આ જેટલું જલદી થશે એટલો જ દર્દીના હાર્ટ ફેઇલ થવાનો ખતરો ટળી જશે.”
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40,000થી પણ વધુ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.