ડૉ. રાજેશ રંજન,
જનરલ ફિઝિશિયન, ચૅસ્ટ સ્પેશિયાલિસ્ચ અને ડાયાબિટોલૉજીસ્ટ (એમબીબીએસ, એમડી, બીએચયુ)
2019માં 26.9 લાખ કેસોની અંદાજિત વ્યાપ્તિ સાથે, ભારતનું ટીબી ભારણ વિશ્વભરમાં સૌથી વધુ છે. વિશ્વના આશરે એક ચતૃર્થાંશ કેસ ભારતમાં અસ્તિત્વમાં છે અને દર વર્ષે આ રોગને કારણે લગભગ 4,00,000 જીવનનો અંત આવે છે. ટીબી હવાથી ફેલાય છે અને ટ્યુબરક્યુલોસિસથી ચેપગ્રસ્ત કોઈ વ્યક્તિએ શ્વાસોચ્છવાસ કર્યો હોય એવી હવા શ્વાસમાં લેવાથી બીજી વ્યક્તિને તેનો ચેપ લાગી શકે છે. ટીબીના જંતુઓ અનેક કલાક સુધી હવામાં રહી શકે છે. બૅક્ટેરિયલ ચેપ સામાન્યપણે ફેફસાંમાં શરૂ થાય છે અને તેની સારવાર કરવામાં ન આવે તો, શરીરના અન્ય ભાગોમાં પણ તે ફેલાઈ શકે છે.
કોવિડ-19ની શક્યતઃ ત્રીજી લહેરનું જોખમ દેશ પર બહુ મોટા પાયે તોળાઈ રહ્યું છે, ત્યારે ટીબીનું જોખમ પણ આપણા માથા પર ચકરાવા લઈ રહ્યું છે.
જો કે, ટીબી હોવાનો અર્થ એ જરાય નથી થતો કે, વ્યક્તિ કોવિડ-19નો ચેપ લાગવા બાબતે સંવેદનશીલ થઈ જાય છે, પણ જેમને પલ્મોનરી ટીબી હોય એવા લોકોને કોવિડ-19 જેવા ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. બીજી તરફ, લેટન્ટ (નિષ્ક્રિય) ટીબી ધરાવતા હોય એવા લોકોને કોવિડ-19ના જોખમની શક્યતા અત્યંત ઓછી અથવા નહીંવત હોય છે. ટીબી અને કોવિડ-19 બંનેથી પીડાતી વ્યક્તિમાં સારવારનાં પરિણામ નબળાં હોવાનું માનવામાં આવે છે, જો આવી વ્યક્તિની ટીબી સારવારમાં વિક્ષેપ આવ્યો હોય તો. કહેવાય છે કે, “ઈલાજ કરતાં નિવારણ વધુ બહેતર હોય છે”, આથી વૈશ્વિક મહામારીના આ કાળમાં ટીબીના દર્દીઓ પોતાની સારવાર ચાલુ રાખે એ જ ઉત્તમ ગણાય.
તમે અથવા તમારા કોઈ નિકટજન કોઈપણ પ્રકારના ટીબીથી પીડાતા હો, તો વૈશ્વિક મહામારી દરમિયાન આ રોગના વ્યવસ્થાપન માટે શું કરી શકાય, એ વિશે આવો જાણીએ.
- સતત માસ્ક પહેરી રાખો અને દરેક સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. છીંકતી કે ખાંસતી વખતે વ્યક્તિએ હંમેશાં ટિશ્યુનો ઉપયોગ કરવો જોઈએ અને એ પછી તેનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ. એ પછી હાથ ધોવા જોઈએ અને ત્યાર બાદ સારી રીતે સેનેટાઈઝ કરવા જોઈએ. ધોયા વિનાના હાથથી તમારી આંખો, નાક અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળો.
- માંદા લોકો સાથે નિકટનો સંપર્ક હંમેશાં ટાળવો જોઈએ. ટીબી અને કોવિડ-19 બંને શ્વાસોચ્વાસના વાયુ અથવા ટીપાંથી ફેલાય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિને હવા દ્વારા નિકટના સંપર્કથી તે ફેલાય છે.
- ટીબીના દર્દીઓએ તેમના તબીબની સલાહને અનુસરવી જ જોઈએ અને તેમની દવાઓ ચાલુ રાખવી જોઈએ. દર્દીએ પોતાની દવાઓ દરરોજ નક્કી કરેલા એક સમયે જ લેવી જોઈએ અને દવા લીધા બાદ કૅલેન્ડરમાં તેની નોંધ કરવી જોઈએ. માત્ર એક જ દિવસ માટે દવા લેવાનું રહી જાય તો પણ ડૉક્ટર સાથે વાત કરી લેવી જરૂરી છે. દવાઓનો અવિરત પુરવઠો, પૂરતો આરામ, અને પોષણ મહત્વનાં પાસાં છે. તમને કોઈ અન્ય નોંધપાત્ર સમસ્યા હોય તો પરિવારના સભ્યો અથવા મિત્રમાંથી કોઈ તમને દવા લેવાનું યાદ કરાવવાનું કહી શકો છે.
- ટીબીની દવાની આડઅસરઃ તમારા ડૉક્ટર અથવા નર્સે જણાવ્યું હોય એ પ્રમાણે દવા લો. ટીબીની દવાઓથી પેટમાં દુખાવો, ઉબકા આવવા, ઊલટી થવી વગેરે જેવી આડઅસરો થઈ શકે છે. તમને આડઅસર હોય તો, તમારા ડૉક્ટરની સલાહ લેવી. ટીબીની એક દવા, રિફામ્પિનને કારણે પેશાબનો રંગ બદલાઈને નારંગી જેવો થઈ શકે છે, પણ આ બાબત સામાન્ય છે.
- વ્યક્તિગત સ્વચ્છતા પગલાં જેમ કે ખાંસતી વખતે જાળવવાનો શિષ્ટાચાર, ઓરડામાં હવાની સારી અવરજવર જાળવવી, અને ચેપ રોકવાના મૂળભૂત નિવારણ અને નિયંત્રણ પગલાં જેવી બાબતોનું ધ્યાન દર્દી રાખે એ અત્યંત મહત્વનું છે. કોઈપણ ભોગે ગાફેલ રહેવાનું પાલવે એમ નથી.
- ટીબી દર્દીઓએ પોતાના તબીબના સંપર્કમાં રહેવું જોઈએ, ખાસ કરી ને અત્યારના વૈશ્વિક મહામારીના સમયમાં, વ્યક્તિગત મુલાકાતને બદલે ટેલિકન્સલ્ટેશનના માધ્યમથી તેમના તબીબના માર્ગદર્શન અનુસાર આગળ વધવું જોઈએ. સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વિના આ દર્દીઓએ તેમની ટીબી સંભાળના કોઈપણ તબક્કા દરમિયાન કોઈપણ ચિંતા કે મુશ્કેલી વિશે ચર્ચા કરવી જોઈએ. ટીબીના લક્ષણો, નિદાન, તપાસણી વિકલ્પો, સારવાર વિકલ્પો, દવાઓ તથા અન્ય બાબતો સંદર્ભમાં કોઈપણ પ્રશ્નો હોય તો તેઓ નેશનલ નિક્ષય સંપર્ક હેલ્પલાઈન પર પણ કૉલ કરી શકે છે. દર્દીઓને માહિતી અને આધાર માટે આ હેલ્પલાઈન 14 ભાષાઓમાં કાર્યરત છેઃ 1800-11-6666
ટીબીની સારવારમાં કોઈપણ તબક્કે વિક્ષેપ ન આવવો જોઈએ. ટીબીની બીમારી ધરાવતી વ્યક્તિ સારવાર લેવાની શરૂઆત કરે છે ત્યારે તેમને અનેક દવાઓ લેવાની જરૂર પડી શકે છે. અનેક અઠવાડિયાઓ સુધી દવા લીધા બાદ, ડૉક્ટર જ ટીબીના દર્દીને કહી શકે છે કે તેઓ ક્યારે અન્યોને ટીબીના જંતુ ફેલાવતાં અટકી જાય છે. ટીબી હોય એવા મોટા ભાગના લોકોને સાજા થવા માટે ઓછામાં ઓછા છ મહિના માટે ટીબીની દવા લેવાની જરૂર પડતી હોય છે. આવશ્યક સાવચેતીઓ રાખવા સાથે સારવારમાં સાતત્ય અને ડૉક્ટરની સલાહને વળગી રહેવાથી તેમની રિકવરી ઝડપી બનવામાં તથા કોવિડ-19ના ચેપને ટાળવામાં મદદ મળે છે,