અમદાવાદ: પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ “અજબ રાતની, ગજબ વાત” લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ઉપરાંત તેમની સાથે દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટને પાવરા એન્ટરટેઈનમેન્ટના સીઈઓ જૈમિલ શાહ નિપુણતાથી સંચાલિત કરી રહ્યા છે.
ભવ્ય તથા આરોહી પ્રથમવાર એક સાથે ફિલ્મી પરદે આવી રહ્યાં છે, જેઓ બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણાં છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ આ ફિલ્મમાં હાઈલાઈટ કરવામાં આવ્યા છે. તાજેતરના જ ફિલ્મના મુખ્ય કલાકારો ભવ્ય ગાંધી, આરોહી પટેલ અને દીપ વૈદ્યએ અમદાવાદમાં હેરિટેજ વોક કર્યું હતું અને અમદાવાદના અતિભવ્ય વારસા વિશે સમજ કેળવી હતી. ઉલ્લેખનીય છે કે આ હેરિટેજ વોકની શરૂઆત સ્વામિનારાયણ મંદિર, કાલુપુરથી કરવામાં આવી હતી.