ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તારીખોની જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તારીખો જાહેર કરતા કહ્યું કે કોરોના કાળની આ પહેલી ચૂંટણી છે. એક બૂથ પર ફક્ત એક હજાર વોટરને મતદાન કરવા દેવાશે. બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર, અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે.
પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાશે જેમાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. 31,000 પોલિંગ બૂથ પર મતદાન થશે. આ માટે નોટિફિકેશન એક ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન 10 નવેમ્બરે થશે અને આ મતદાન 17 જિલ્લાની 94 બેઠકો પર યોજાશે. આ માટે 42 હજાર પોલિંગ બૂથ હશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે બાકીની તમામ 78 બેઠકો પર થશે. આ મતદાન માટે 33.5 હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવશે
ચૂંટણી પંચે જણાવ્યું કે કોરોનાકાળમાં ચૂંટણી થઈ રહી હોવાથી ખુબ તૈયારીઓ કરાઈ છે. એક બૂથ પર એક હજાર મતદારો મતદાન કરી શકશે. પોલિંગ બૂથ પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. કોરોનાકાળમાં આ સૌથી મોટી ચૂંટણી છે. 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ થશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાતા સૂચિ જાહેર થઈ હતી.