રાજય સરકારની ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં મગફળીને ટેકાને ભાવે ખરીદવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. બેઠક બાદ ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરાઈ હતી કે, 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં વિધાનસભાના ચોમાસા સત્ર અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના સત્રની તારીખ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપી છે.આજે મળેલી કેબિનેટમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. પ્રતિ મણ 1055 રૂપિયાના ભાવથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે.
રાજય સરકારના મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે, મગફળી ખરીદી માટે ટેકાના ભાવે કેબિનેટે નિર્ણય કર્યો છે. જેની સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ બે વર્ષથી મગફળી ખરીદી કરતી આવી છે, અને નોડલ એજન્સી તરીકે કામ કરશે. ત્યારે 5275 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.
ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે તમામ સેન્ટરો પર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં પુરવઠા નિગમમાં જેટલો સ્ટાફ હશે એટલો જ આપવાની ખાતરી આપી છે. મહેસૂલ અને કૃષિ વિભાગ પાસેથી વધારાનો સ્ટાફ લઈને પણ લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે. આવનાર દિવસોમાં મગફળી ખરીદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.