રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ શ્રી રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક થતા આજે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. તેમ ગૃહ અને કાયદા રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.
માનવ અધિકાર આયોગના અધ્યક્ષ રવિકુમાર ત્રિપાઠીને અભિનંદન આપતા ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે મણીપુર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અભિલાષાકુમારીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા તેઓની લોકપાલ કમિટિ ઓફ ઇન્ડીયાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતાં તેઓએ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપતાં આ જગ્યા ખાલી રહેલ હતી. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્તિ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી પસંદગી સમિતિની ભલામણને ધ્યાને લઇ, ગુજરાત રાજયના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠીની ત્રણ વર્ષ સુધીની મુદત માટે નિમણૂક કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત જસ્ટીસ ત્રિપાઠીએ ભારત સરકારના કાયદાપંચમાં માર્ચ-૨૦૧૬ થી ૩૧ ઓગષ્ટ-૨૦૧૮ સુધી મહત્વની જવાબદારી નિભાવીને તેમની સેવાઓ પુરી પાડી છે.