કોરોનાના પગલે મોટા ફેરફારો થઇ રહ્યા છે. ત્યારે પ્રજામાં વધુ કોરોના ન ફેલાય તે માટે કચ્છમાં માતાનો મઢ ખાતે 1600 વર્ષની પરંપરા તુટશે. આશાપુરા માતાના મઢમાં આવખતે આસો નવરાત્રી નહીં યોજાય. ક્ચ્છ સહિત રાજયભરમાં માતાનો મઢ આશાપુરામાંનો મહિમા ભક્તોમાં જોવા મળે છે. નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવે છે અને નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લે છે. જેને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે આ વર્ષે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટશે. માતાનો મઢ નવરાત્રી દરમિયાન ભક્તો માટે બંધ રહેશે.
આશાપુરા માં ની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશનીનાં હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા માં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. કચ્છનો રાજ પરિવાર માતાજીનાં પ્રથમ સેવક માનવામાં આવે છે.
આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ આશાપુરા નામ કહેવાય છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે.પરંતુ કોરોનાના કારણે મંદિરમાં દર્શનનો લાભ નહીં મળી શકે. હાલ પ્રાંત અધિકારી અને જાગીરના ટ્રસ્ટીઓની બેઠકમાં કોરોનાના સંક્રમણને લઇને ભક્તો માટે મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો છે..આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામા આવ્યું જેમાં 13 થી 25 ઓકટોંબર સુધી દ્વાર બંધ રહેશે.