ડૉ.ઓ.પી. ચૌધરી, એમ.બી.બી.એસ
વર્ષ 2020માં ટીબીના આશરે 25.9 લાખ નવા કેસ સામે આવતા સાથે ભારત ટીબીનું સૌથી વધુ ભારણ ધરાવતા દેશોમાંથી એક છે અને આશરે 5 લાખ ભારતીય આ બીમારીને કારણે મૃત્યુ પામ્યાં છે. 2020માં, વિશ્વમાં આશરે એક કરોડ લોકોને ટીબી થયો હતો, અને આ સાથે જ અંદાજે 15 લાખ લોકોનાં મોત આ બીમારીને કારણે થયાં છે.
વૈશ્વિક મહામારી કોવિડ-19ના ઉદભવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની અને રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ (નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ) સામે અનેક પડકારો ઊભા થયા, આનું કારણ એ કે, આ બંને બીમારીઓના લક્ષણોમાં અનેક સમાનતાઓ છે. આ ઉપરાંત, લોકોમાં ભય તથા કલંકની આશંકા અને સંભાળ-સારવાર મેળવવામાં દર્દીઓને સહન કરવા પડેલા ગતિશીલતા સંબંધી પડકારોએ પરિસ્થિતિને વધુ ઘેરી બનાવી હતી. આના જવાબમાં, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામે (એનટીપીઈ), જરૂરિયાતમંદોને ટીબી સેવાઓ સાતત્યપૂર્વક મળે એ વાતની તકેદારી રાખવા રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગોને અનેક નિર્દેશો જારી કર્યા હતા. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મહત્વના નિર્દેશોમાંથી એક હતો કે, ટીબી અને કોવિડ-19ની દ્વિ-દિશાત્મક તપાસ હાથ ધરવી, જેનો અર્થ થાય છે કે, ટીબીના તમામ દર્દીઓનું કોવિડ-19 ટેસ્ટિંગ થવું જોઈએ અને કોવિડ-19ના દરેક દર્દીની ટીબી માટેની તપાસણી થવી જોઈએ. દર્દીને કોવિડ-19 અને ટીબી બંને હોઈ શકે એવા ઉચ્ચતમ પડકારને ધ્યાનમાં લેતાં આ પગલું મહત્વનું હતું.
ભારતમાં વૈશ્વિક મહામારી કોવિડ-19 અત્યારે ઘટાડા તરફ છે અને દેશના મોટા ભાગના હિસ્સાઓમાં કેસીસની સંખ્યા સપાટ આલેખ દેખાડી રહી છે, ત્યારે ટીબી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વનું છે અને વહેલું નિદાન તથા ટીબીની સૂચવવામાં આવેલી સારવાર સાથે વળગી રહેવું અત્યંત મહત્વની બાબત છે. ખોટી દવાઓ અથવા સૂચવવામાં આવેલી સારવારને વળગી ન રહેવું જેવી બાબતો ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી વિકસાવવા તરફ દોરી જઈ શકે છે, જે સૌથી સામાન્યપણે ઉપયોગમાં લેવાતી ટીબીની દવાઓ સામે પ્રતિકાર કરે છે. ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી સાથે, સારવારનો લાંબો ગાળો, ખર્ચાળ દવાઓ તથા અનેક સાઈડ ઈફૅક્ટ્સ જેવા એક થી વધુ પડકારો સંકળાયેલા છે, જે દર્દીને સારવાર પૂરી કરતા અટકાવી શકે છે.
ટીબી સામેનો ભારતનો જંગ હજી બહુ લાંબો ચાલવાનો હોવાથી, ટીબી વૉરિયર્સ અને દર્દીઓ એમ બંને તરફથી સંગઠિત પ્રયાસો અત્યારના સમયની માગ છે. ભારતમાં ટીબીનો વ્યાપ ઓછો કરવા માટે પ્રતિબદ્ધ સ્વાસ્થ્ય મંત્રાલય, ટીબી ચૅમ્પિયનો સાથેની ભાગીદારીમાં દર્દીઓને આ બીમારી સામે લડવામાં મદદ કરવા માટે વહેલું નિદાન, સારવાર અને સલાહના માધ્યમથી થાક્યા વિના કામ કરી રહ્યું છે.
ટીબી સાથે તમારું યુદ્ધ હજી ચાલી રહ્યું હોય, તો સારવાર લેતી વખતે તમારે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જ જોઈએઃ
સારવારનો ગાળો પૂર્ણ કરોઃ ડૉક્ટરની સલાહને અનુરૂપ સૂચવવામાં આવેલી સારવારને તમે પૂર્ણપણે વળગી રહેવાની તકેદારી રાખો. સારવારની કેટલીક સાઈડ ઈફૅક્ટ્સ (આડઅસરો) હોઈ શકે છે, આમ છતાં તેને વળગી રહેવાનું અને તમારા તબીબી વ્યવસાયીની સલાહ લેવી એ મહત્વની બાબતો છે. ડૉક્ટરની સલાહને વળગી રહેવું અને ક્યારેય સારવારને છોડવી નહીં, આ બે બાબતો સૌથી મહત્વની છે.
પૌષ્ટિક આહાર લેવાની તકેદારી રાખોઃ ભારત સરકાર ટીબીના દરેક દર્દીને દર મહિને પોષણ આધાર તરીકે રૂ. 500 પૂરા પાડે છે, આ રકમ સારવારના આખા સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. આ જોગવાઈનો ઉપયોગ લેટ્યુસ અને પાલક વગેરે જેવાં પાંદડાવાળા ઘેરાં લીલાં શાકભાજી જેવા પોષણયુક્ત આહારને તમારા ભોજનમાં સમાવવા માટે થવો જોઈએ. આવું ભોજન શરીરમાં શક્તિ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો લાવે છે. તોફુ, મગફળી, પનીર, ચીઝ વગેરે જેવા આહાર તમારા શરીરને પ્રોટિન પૂરું પાડશે.
ઍન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન સીથી છલોછલ ફળો જેમ કે સંતરાં, આમળા, ટામેટાં શરીરમાં શક્તિ નિર્માણ કરવા માટે તથા વિષારી પદાર્થોને દૂર રાખવામાં મદદ કરતા સારા વિકલ્પો છે. કેરી, પપૈયું, મોસંબી જેવા વિટામિન એથી સમૃદ્ધ ફળો પણ લાભદાયક ઠરે છે. હોલ-ગ્રેઈન બ્રૅડ, પાસ્તા, અનાજ અને કઠોળનો તમારા આહારમાં સમાવેશ કરો. આ બધું ખાવાથી શરીરને દૃઢતા મળે છે અને રોગપ્રતિકાર શક્તિ પણ નિર્માણ થાય છે.
કેટલાક ઉત્પાદનોથી દૂર રહોઃ ઝડપથી સાજા થવા માટે ટીબીના દર્દીઓએ નીચે જણાવેલી ખાદ્ય વસ્તુઓ/પદાર્થોથી દૂર રહેવું જોઈએ – આલ્કૉહૉલ (દવાનું ઝેરીપણું વધારે છે), કાર્બોનેટેડ પીણાં, કૅફિનને કારણે વધુ પડતાં ચા/કૉફી, તંબાકુ તથા સંબંધિત ઉત્પાદનો તથા વધુ પડતા નમક/મસાલા પણ દર્દીના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડી શકે છે.
વ્યાયામઃ ઝડપથી ચાલવા જેવી કસરતો તમને તાજી હવા મેળવવા સાથે સારું લાગવાની લાગણી ઊભી કરવામાં મદદ કરે છે. યોગ, સ્થિર સાઈકલિંગ, હળવી વૉક/જોગિંગ, અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ પણ સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે. આમ છતાં, વ્યક્તિએ એટલો જ વ્યાયામ કરવો જેટલો તે કરી શકે, ખાસ કરી ને સારવારના સમયગાળા દરમિયાન.
એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે કે ખાંસતી વખતે જાળવવાના શિષ્ટાચારને વળગી રહેવું આવશ્યક છે, આ બાબત કોવિડ-19ને કારણે હવે સામાન્ય બની ગઈ છે.
આખરે, એ યાદ રાખવું પણ જરૂરી છે કે, ટીબી કોઈને પણ થઈ શકે છે, આમ છતાં યોગ્ય દવા અને સારવારને ચુસ્તપણે વળગી રહેવામાં આવે તો તેમાંથી પૂર્ણપણે સાજા પણ થઈ શકાય છે. આ બીમારી સાથે સંકળાયેલા કલંકને દૂર કરવા માટેના પ્રયાસોમાં આપણે મદદરૂપ થવું જોઈએ અને થઈ શકે એટલા વહેલા સંભાળ-સારવાર લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. સાથે મળી ને આપણે સૌ ટીબી માટે જન આંદોલનનું સર્જન કરી ટીબી મુક્ત ભારતની દિશામાં કામ કરી શકીએ છીએ.
ટીબીહારેગાદેશજીતેગા!