છેલ્લા બે વર્ષમાં ફિલ્મ નિર્માતાઓને ફિલ્મની સબસીડી ન મળતા તેની રજૂઆત માટે આઇએમપીપીએના સેક્રેટરી અતુલ પટેલ, ટ્રેઝર ફિલ્મ મેમ્બર હરસુખ પટેલ, ઇસી મેમ્બર જગદીશભાઈ બારીયા, પ્રોડ્યુસર સંજય શાહ(જેકી), વૈશલ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞેશ માલી અને ફિલ્મ પ્રોડ્યુસર અને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફિલ્મ સબસિડી માટે અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે ગુજરાત સિનેમેટિક પોલિસીની વિસ્તૃત માહિતી અને મુદ્દાઓ માટે મુલાકાત લીધી હતી.
આઇએમપીપીએ દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન માટે ગુજરાત સરકાર દ્વારા ફિલ્મ સબસિડી આપવામાં આવે છે. જોકે, કમનસીબે, છેલ્લા દોઢેક વર્ષમાં, કોઈ પણ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને સબસીડી તરીકે એક પણ પૈસા ચૂકવવામાં આવ્યા નથી અને જ્યારે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ)ના સભ્યો આની રજૂઆત માટે ગાંધીનગરમાં અગાઉ મળ્યા ત્યારે જાણ કરાઇ હતી કે એવી 90 ફિલ્મો છે જેણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, અને એ દરેક નિર્માતાઓને સબસિડી જલ્દી ચૂકવવામાં આવશે, આ રજૂઆત બાદ પણ સબસિડી ચૂકવાય નથી અને હવે એ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હોય અને સબસિડી ચૂકવવામાં આવી ન હોય એવી ફિલ્મોની સંખ્યા વધીને 120 થઈ છે. એટલા માટેજ એસોસિએશનના સભ્યો ફરી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મળીને આની રજૂઆત કરેલ અને મુખ્યમંત્રીશ્રી એ ત્વરિત અધિકારીઓ સાથે વાતચીત કરી સબસિડીની પ્રક્રિયા પૂર્ણ કરી નાણાંની ચુકવણી થાય એ માટે ઝડપી કાર્યવાહી કરવાનું કહેલ છે.