વડોદરા, 20 ઓક્ટોબર, 2023: સિયેટ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) એ જાહેરાત કરી છે કે સીઝન વન ઓક્શન માટે રાઇડર રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાંથી 120 ચાલકો (રાઇડર્સ)એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે આ રોમાંચક મોટરસ્પોર્ટ સ્પર્ધામાં પ્રચંડ આંતરરાષ્ટ્રીય રસનો સંકેત આપે છે. પ્રારંભિક જાહેરાત બાદ અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિડન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા સહિત વિશ્વભરનાં 85 સુપરક્રોસ સ્ટાર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, આ સાથે લીગમાં ભાગ લેનારા ચાલકોની સંખ્યા વધીને 120 થઈ ગઈ છે. લીગ પ્રત્યે વિશ્વભરનાં પ્રતિભાશાળી ચાલકો સફળતાપૂર્વક આકર્ષાયા છે, જેને કારણે આ સીઝન અભૂતપુર્વ બની રહેશે. આ પ્રતિષ્ઠિત ચાલકોમાં સુપરક્રોસનાં કેટલાંક ખૂબ પ્રતિભાશાળી નામો છે, જેમાં નવ વાર ઓસ્ટ્રેલિયન MX અને SX ચેમ્પિયન મેટ મોસ, ચાર વારના ઇટાલિયન સુપરક્રોસ ચેમ્પિયન લોરેન્ઝો કેમ્પોર્સે, ચાર વારના સાઉથ આફ્રિકા ચેમ્પિયન એન્થોની રેનાર્ડ, સેડ્રિક સોબેરાસ, 6X ફ્રેન્ચ સુપરક્રોસ ચેમ્પિયન અને 3X યુરોપિયન સુપરક્રોસ ચેમ્પિયન 2022ના પ્રિન્સ ઓફ પેરિસ (SX2) ગ્રેગરી (ગ્રેગ) આર્નડા, બે વારના યુરોપિયન/ફ્રેન્ચ વાઇસ ચેમ્પિયન થોમસ રામેટ્ટી, જર્મનીના MXGP રેસર નિકો કોચ, અમેરિકાના AMA SX રાઇડર ટીજે અલ્બ્રાઇટ, ફ્રેન્ચ એલાઇટ MX2 ચેમ્પિયન એન્થોની બુર્ડન, ભારતના રાષ્ટ્રીય ચેમ્પિયન રુગ્વેદ બાર્ગુજે, બે વારના ઇન્ડોનેશિયા ચેમ્પિયન આનંદા રિગી આદિત્ય અને બે વારનાં થાઇલેન્ડ ચેમ્પિયન બેન પ્રસિત હાલગ્રેનનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત રાઇડર્સની હાજરીને કારણે પ્રારંભિક સીઝન ખૂબ રોમાંચક બની રહેશે એમાં કોઈ શંકા નથી. સિયેટ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના ડિરેક્ટર અને સહ-સ્થાપક વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રિય સુપરક્રોસ રેસર વીર પટેલે એ લીગ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “વિશ્વભરમાંથી રેસર્સ દ્વારા મળેલા નોંધપાત્ર અને અભૂતપુર્વ પ્રતિસાદથી અમે રોમાંચિત છીએ. સિયેટ ISRLને સાચા અર્થમાં ઇન્ટરનેશનલ સેન્સેશન બનાવવાની દિશામાં આ હરણફાળ છે. અમારું મિશન ભારતમાં સુપરક્રોસ રેસિંગની ગુણવત્તા સુધારવાનું અને ભારતીય પ્રતિભાઓને ચમકાવવા વિશ્વવ્યાપી મંચ પૂરો પાડવાનું છે. અમે મોટરસ્પોર્ટ્સની દુનિયામાં વીજળીવેગી અસર છોડે તેવી સીઝન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ અને અમને વિશ્વાસ છે કે અમને અમારા પ્રયત્નોમાં સફળતા મળશે.” લીગ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પ્રારંભની દિશામાં આગળ વધી રહી છે ત્યારે સિયેટ ISRLએ ચાર ટીમની રચનાની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં બીજી ટીમોની પણ જાહેરાત કરવામાં આવશે. પ્રારંભિક સીઝનમાં ભારતનાં વિવિધ શહેરોમાં અનેક રાઉન્ડ્સ યોજવામાં આવશે, જે મોટરસ્પોર્ટ્સ ઉત્સાહીઓને વૈવિધ્યસભર અને રોમાંચક અનુભવ પૂરો પાડશે. સિયેટ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સીઝન વનમાં ચાર રેસિંગ કેટેગરીઝ રાખવામાં આવી છે, જેમાં 450cc ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250cc ઇન્ટરનેશનલ રાઇડર્સ, 250cc ઇન્ડિયા-એશિયા મિક્સ અને અત્યંત સ્પર્ધાત્મક જુનિયર ક્લાસનો સમાવેશ થાય છે. ટેલેન્ટ ડેવલપમેન્ટ અને હાર્ટ-રેસિંગ એક્શન પર ફોકસ સાથે આ લીગ ભારત અને વિશ્વમાં સુપરક્રોસ રેસિંગનાં પરિદ્રશ્યને પુનઃવ્યાખ્યાયિત કરશે.