એક અનોખી પ્રેમકહાણી “અજબ રાતની ગજબ વાત”
– આરોહી અને ભવ્યની લવ કેમિસ્ટ્રી રુપેરી પડદે જામે છે
15મી નવે. ભારતભરમાં તેમજ સમગ્ર વિશ્વમાં રિલીઝ થયેલી ફિલ્મ પાવરા એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત “અજબ રાતની ગજબ વાત”માં આરોહી એક અનોખા અંદાજમાં જોવા મળે છે. બીજી તરફ સૌનો ચહિતો ટપુ – ભવ્ય ગાંધી પણ પોતાના અભિનયથી પ્રેક્ષકોના હૃદય જીતવામાં સફળ થયા છે.
ફિલ્મની વાર્તા ઃ
કિંજલ (આરજે રાધિકા)ના લગ્ન થવાના હોય છે એટલે તેનો લવર નિલય (આરજે હર્ષ) તેના મિત્રો કાર્તિક (ભવ્ય ગાંધી) અને તન્મય (દીપ વૈદ્ય)ની મદદથી કિંજલને લગ્ન મંડપેથી ઉઠાવી લેવાનો પ્લાન બનાવે છે, પરંતુ બંને મિત્રો કિંજલને બદલે પ્રણાલી (આરોહી)ને લગ્ન મંડપેથી ભગાવે છે. પ્રણાલી અપૂર્વને પ્રેમ કરે છે જેને અપૂર્વનો કોઇ મિત્ર મોન્ટુ ભગાડવા માટે આવવાનો હતો, તો પ્રણાલી કાર્તિક અને તન્મયને મોન્ટુના મિત્રો સમજીને તેમની સાથે ભાગે છે. આ બધી સિચ્યુએશનથી સર્જાતી કોમેડી દર્શકોને મજા કરાવે છે. ફિલ્મ માત્ર એક રાતની વાત છે પણ એ રાતમાં પ્રણાલી, કાર્તિક, તન્મય, કિંજલ, નિલય દરેક પાત્રોની અલગ અલગ લવ સ્ટોરી ચાલતી રહે છે જે દર્શકોને તેમની સીટ પર જકડી રાખે છે.
ફિલ્મ સંપૂર્ણ પારિવારિક અને મનોરંજક ફિલ્મ છે. ફિલ્મમાં સ્ટોરી પણ છે, લવ સ્ટોરી પણ છે, કોમેડી પણ છે, હ્યુમર પણ છે.. ફિલ્મમાં હસાવે પણ છે અને રડાવે પણ છે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં ભવ્ય ગાંધી, આરોહી, દીપ વૈદ્ય, આરજે હર્ષ, આરજે રાધિકા, ભરત ઠક્કર જોવા મળે છે, તેમજ ચેતન દૈયા, જયેશ મોરે, રોનક કામદાર નોંધનીય મહેમાન ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા લખી છે પ્રેમ ગઢવી, અદિતી વર્મા અને નિકિતા શાહે. ફિલ્મનું દિગ્દર્શન કર્ય છે પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમારે. સંગીત આપ્યુ છે કુશલ ચોક્સીએ. ફિલ્મનું નિર્માણ કર્યુ છે ડાૅ. જયેશ પાવરાએ.
ન્યૂઝ આસપાસ તરફથી “અજબ રાતની ગજબ વાત”ને 5 માંથી 4 સ્ટાર.