આગામી સમયમાં આવનારો પવિત્ર થહેવા અને યુવા હૈયાઓનો મનગમતો તહેવાર નવરાત્રી 2020 યોજાશે કે નહીં એ અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. જો કે, આ વચ્ચે આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં આ વર્ષે નવરાત્રી આયોજન અંગે સરકારનું કોઇ જ સ્પષ્ટ વલણ નથી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ દ્વારા ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે તેવું પણ જણાવ્યું હતું. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતે અંગત રીતે ધ્યાન આપી રહ્યા છે.
જો કે આ તમામ વચ્ચે સરકારી નવરાત્રીનાં આયોજનને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવા નો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આયોજીત થતા અનેક ખ્યાતનામ ગરબા મહોત્સવો રદ્દ થઇ ચુક્યા છે. આ કાર્યક્રમોના આયોજકો દ્વારા અગાઉ જ આ અંગેની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ત્યારે સરકાર દ્વારા પોતાનો અધિકારીક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો તે ઘણુ કહી જાય છે. બીજી તરફ કલાકારો અને અન્ય સંબંધિત ડેકોરેશનથી માંડીને અનેક ધંધાર્થીઓ દ્વારા સરકાર પાસે સતત માંગ કરવામાં આવી રહી છે કે, નવરાત્રીનું આયોજન કરવા દેવામાં આવે. તેઓ સંપુર્ણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને નવરાત્રીનું આયોજન કરાવવા માટે તૈયાર હોવાનું પણ સરકારને જણાવી ચુક્યા છે. કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ તમામ ધંધા જ્યારે ખુબ જ મુશ્કેલ દોરનો સામનો કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેજી માટે નવરાત્રીનું આયોજન મહત્વપુર્ણ હતું. જો કે હવે સરકાર ધીરે ધીરે પોતાનું વલણ સ્પષ્ટ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.