ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને લઇ જાગૃત નાગરિકો દ્વારા આધાર-પુરાવા રજૂ કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો
ગૌચર જમીન પર દબાણ કરનારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રામપુરા ગામ ખાતે ગૌચર જમીન પર વર્ષ 2011ના માજી સરપંચ અને હાલના સરપંચ બન્ને દ્વારા ગેરકાયેદાસર દબાણની પ્રવૃત્તિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રામપુરા ગામમાં સરપંચે ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાની સાથેસાથે ખોટા ઠરાવ કરી ગામના તળાવમાં માટી પુરાણ કરી રસ્તો બનાવ્યો હોવાનો આક્ષેપ ગામના કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિને લઇને તંત્રનું ધ્યાન દોરવા માટે રામપુરા ગામના અનિરૂદ્ધસિંહ ડોડિયા દ્વારા તારીખ 22 જુન, 2022ના રોજલેન્ડ ગ્રેબિંગ સેલમાં ગૌચર જમીન પર દબાણની ફરિયાદ પણકરવામાં આવી છે.
વિગત પ્રમાણે જોઇએ તો રામપુરાના ગ્રામજનો દ્વારા વર્ષ 2011માં સરપંચ પદે રહી ચૂકેલા નવલસિંહ ડોડિયા અનેહાલના સરપંચમયુરસિંહ નવલસિંહ ડોડિયાએગામતળની કેટલીક ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. આ ગૌચર જમીન પર થયેલા દબાણને લઇનેજિલ્લા કલેક્ટરશ્રી સુધી લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો સહિત કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી રામપુરા ગામમાં થયેલી લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિ આચરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામના હિતને ધ્યાનમાં લઇ સરપંચ પદનો ખોટી રીતે ઉપયોગ કરનારા હાલના સરપંચને તાત્કિલક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ગ્રામજનો દ્વારા ગામની ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણઅંગેના આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાણંદ તાલુકાના રામપુરા ગામ ખાતે જમીનનો ભાવ હાલ કરોડોમાં આંકવામાં આવી રહ્યો છે. ત્યારે વર્ષ 2011માં સરપંચ પદે રહી ચૂકેલા નવલસિંહ ડોડિયા અને હાલના સરપંચ મયુરસિંહ ડોડિયા દ્વારા સર્વે નંબર 138, 180, 183 અને185માં આશરે અઢીથી ત્રણ વિઘા ગૌચર જમીન પર દબાણ કરાયું છે, તેવા આક્ષેપ કરી ગ્રામજનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે ગ્રામજનોએ એવી માંગ કરી છે કે રામપુરા પંચાયત હસ્તકની જમીન પર પણ સંબંધિત તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે તો જમીન હડપ કરવામાં આવી હોઇ તેવા અન્ય કૌભાંડો પણ બહાર આવી શકે છે
રામપુરાના જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા સરપંચ પર ગૌચર જમીન પર દબાણને લઇ લગાવવામાં આવેલા આક્ષેપોઃ
- 2011માં નવલસિંહ ડોડિયાએ સરપંચ પદનો ખોટો ઉપયોગ કરી પૂર્વ યોજના બનાવી સર્વે નંબર 138 પર 16 માર્ચ, 2011ના રોજ ઠરાવ પસાર કરી પાકુ મકાન બનાવવામાં આવ્યું છે.
- ત્યારબાદ, હાલના સરપંચ મયુરસિંહ ડોડિયાએ વર્ષ 2022માં ખોટો ઠરાવ પાસ કરી ગૌચર જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ બાદ બાજુમાં આવેલી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તેને ઢાંકવા માટે પાકી દિવાલ બનાવી દેવામાં આવી, આ રીતે પાસ કરાયેલા ખોટા ઠરાવ પર અન્ય એક ખોટો ઠરાવ પાસ કરી સરકારી જમીનને હડપ કરવામાં આવી રહી છે.
- ગામમાં આવેલા તળાવ (કુંભાર ખાડા)ની બાજુમાંથી પસાર થતા રસ્તાને ભયજનક રીતે દર્શાવી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી ખોટા ઠરાવને બહાલી આપી ગામના તળાવને 4 જૂન, 2022ના રોજથી માટીથી પુરી દઇ રસ્તો બનાવવાની મંજૂરી મેળવ્યા વિના માટી પુરાણ શરૂ કરવામાં આવ્યું. જેનો વિરોધ કરાતા દબાણકારો દ્વારા 7 જૂને મંજૂરી મેળવવામાં આવી હતી.
- આ પુરાણ માટે જે સ્થળેથી માટી લેવામાં આવી રહી હતી, તે પણ ગૌચર જમીનમાં લેવામાં આવી રહી હતી, તેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવતુ માટી પુરાણ પણ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતુ.
- 7 જૂન, 2022ના રોજ તળાવ પુરાણ માટે લેવામાં આવેલી મંજૂરી અગે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, સાણંદના નાયબ કાર્યપાલક ઈજનેરનું ધ્યાન દોરતા તેમના દ્વારા14 જૂન, 2022ના રોજ માટી પુરાણના આદેશને રદ કરવામાં આવ્યો છે અને ગામના તળાવને યથાવત સ્થિતિ પ્રમાણે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી તળાવને યથાસ્થિતિ કરી દેવાના સરકારી આદેશ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
- તળાવને યથાસ્થિતિમાં લાવવા બાબતે ગ્રામ પંચાયતના તલાટીને ફરિયાદ કરવામાં આવી છે, જેની ઓસી પણ લેવામાં આવેલ છે.
- ઘર વિહોણા ખેત મજૂરો માટે 1986માં પ્રાંત અધિકારી દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે.
- ગેરકાયદેસર રીતે દબાણ કરનારાઓ સામે ફરિયાદ કરવામાં આવે છે તો દબાણકારો દ્વારા ખોટી રીતે પોતાની વગ વાપરી દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું હોવાનો પણ જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
- આ કાર્યમાં જે કોઇ પણ લોકો દબાણકારોને સાથ આપી પ્રોત્સાહન પુરી પાડી તેમને છાવરી રહ્યાં છે, તેવા લોકો સામે પણ ગેરકાયદેસર કામમાં સાથ આપવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.