ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે દ્વારા અંબાજી મંદિર અને ગબ્બર દર્શન તા.૨૪ ઓગષ્ટ્ થી તા. ૪ સપ્ટેમ્બર કુલ-૧૨ દિવસ સુધી બંધ રહેશે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અંબાજી મંદિર અને ગબ્બર દર્શન તા.૨૪ ઓગષ્ટમથી તા.૪ સપ્ટેનમ્બર-૨૦૨૦ કુલ-૧૨ દિવસ સુધી બંધ રહેશે. પાલનપુર કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા તા.ર૭/૦૭/૨૦૨૦ની અનલોક ૩ ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ ધાર્મિક મેળાવડા, સામાજીક મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે, રાજય સરકારના તા.૮/૮/૨૦૨૦ હુકમ મુજબ આગામી ભાદરવી પૂનમના મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની તથા તેના કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી માટે પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવાકેમ્પો, શોભા યાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજય સરકારે હુકમ કર્યો છે.
કલેકટરએ કહ્યું કે, આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ના સમયગાળામાં યોજાનાર હતો. આ ભાદરવી પૂનમના મહામેળામાં આશરે ૨પ.૦૦ લાખ થી વધુ યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજયોમાંથી દર્શનાર્થે આવે છે. ગત વર્ષોના અનુભવો મુજબ ભાદરવી પૂનમના મેળા પહેલા ત્રણ થી ચાર દિવસોમાં અને મેળા બાદ પણ બે થી ત્રણ દિવસ યાત્રાળુઓની ખૂબ જ ભીડ હોય છે. અંબાજી ગામનો વિસ્તાર જોતાં દૈનિક ૩ થી ૪ લાખ યાત્રાળુઓ એકઠા થાય તો કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શકયતાઓ રહેલી છે. મંદિર ખુલ્લુ રાખતા યાત્રાળુઓનો ધસારો વધી જાય તો કાયદો વ્યવસ્થા જાળવવી પણ ખૂબ જ મુશ્કેલ બને. આ તમામ વિગતો ધ્યાને લઈ તા.૨૪ ઓગષ્ટ થી તા.૦૪ સપ્ટેમ્બર કુલ-૧૨ દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.