તારીખ 2 ડિસેમ્બરથી ગુજરાતી ફિલ્મ “ભગવાન બચાવે” થિયેટર્સમાં રીલિઝ થઇ રહી છે. રીલિઝ પહેલા મીડિયા માટે ફિલ્મનું સ્ક્રિનિંગનું વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું હતુ. ફિલ્મ “ભગવાન બચાવે”ની વાર્તા તો એક ખૂબ જ જરૂરી સંદેશ આપી રહી છે, પરંતુ ફિલ્મ કોમેડી અને તેના સંવાદોને લઇને ખૂબ જ વખણાઇ રહી છે. ફિલ્મની શરૂઆત દર્શકો સમક્ષ એક પ્રશ્ન છોડી દે છે, ત્યારબાદ ફિલ્મ મુખ્ય ત્રણ પાત્રો મુનિ ઝા, જિનલ બેલાણી અને ભૌમિક સંપત પર કેન્દ્રિત થાય છે. જેઓ પોત-પોતાના જીવનમાં પૈસાદાર થવા માટે મહેનત કરી રહ્યાં છે અને અચાનક તેમને એક કરોડોની વસિયત મળ્યાના ખુશ ખબર મળે છે, પરંતુ આ ખુશી તેમના જીવનમાં એક મુસિબત લઇને આવે છે. મધ્યાંતર પહેલા ખડખડાટ હસાવતા સંવાદો અને સિચ્યુએશનલ કોમેડી ધરાવતી ફિલ્મની વાર્તા મધ્યાંતર બાદ ખૂબ જ રોચક વળાંક લે છે. રૂપેરી પડદા પર લાગણીભર્યા સીન્સ દર્શકોની આંખમાં જળહળિયા લાવી દે છે. ક્લાઇમેક્સ ફિલ્મના શરૂઆતના દ્રશ્યને જોડી દે છે અને આજની યુવા પેઢી અને મોજશોખમાં રાચતા લોકો માટે ખૂબ જ મહત્વનો સંદેશ આપે છે. ફિલ્મનો વાસ્તવિક આનંદ પરિવાર સાથે થિયેટરમાં માણી શકાશે, કારણકે ફિલ્મની વાર્તા દર્શકોને પોતાની સાથે જોડી દે છે.

ફિલ્મમાં મુખ્ય ત્રણ કલાકારો ઉપરાંત અન્ય 12 જાણીતા કલાકારો જોવા મળી રહ્યાં છે. ભાવિની જાની, પ્રેમ ગઢવી, રોનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન અને વિશાલ ઠક્કર જેવા કલાકારોએ અભિનય આપ્યો છે, તો રૌનક કામદાર અને ઓજસ રાવલનો કેમિયો પણ રસપ્રદ છે.

જીનલ બેલાણી અને ભૌમિક સંપતની જોડી ફરી એકવાર આ ફિલ્મમાં સાથે જોવા મળી રહી છે. જોકે, જીનલ અને ભૌમિક આ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. જીનલ ફિલ્મની રાઇટર પણ છે. ફિલ્મ વાર્તા સાથે આગળ વધતી રહે છે, જે જિનલ બેલાણીની લેખન ક્ષમતાનો વધુ એક પુરાવો આપે છે.
ગીત અને સંગીતની વાત કરીએ તો ફિલ્મની વાર્તાની માંગ પ્રમાણે ગીતો આવે છે. ફિલ્મના ગીતોને બૉલીવૂડના ટોચના સિંગર્સ સોનૂ નિગમ, નકાશ અઝિઝ અને દિવ્યા કુમારે પોતાનો કંઠ આપ્યો છે. બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પણ સીન્સ પ્રમાણે વાર્તા સાથે બંધબેસે છે.
ફરીથી અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે ફિલ્મનો ક્લાઇમેક્સ લાગણીઓથી તરબોળ કરી દે છે. તમે જાતે જ થીયેટર્સ સુધી જઇને તેને માણશો તો અસલી મઝા માણી શકાશે. આ ફિલ્મ લૉન, ક્રેડિટ કાર્ડ અને ઇન્સ્ટોલમેન્ટનાં વમળમાં અટવાયેલાં લોકોની દશા ફિલ્મમાં દર્શાવામાં આવી છે, જે પારિવારીક મનોરંજન પુરૂ પાડે છે. કેમેરામાં અદભૂત રીતે કંડારાયેલા અમદાવાદને પડદા પર જોવાની એક અલગ જ મઝા છે.
વાલ્મિકી પિકચર્સ દ્વારા નિર્મિત, યુએફઓ મૂવીઝ દ્વારા વિતરીત, મુંબઈ મૂવી સ્ટુડીઓ દ્વારા પ્રસ્તુત નવી કૉમેડી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ને દર્શકોએ પરિવાર સાથે માણવી જોઇએ. ફિલ્મનાં સહનિર્માતા હિરલ કાવા અને પારસ કાવા છે. સિનેમેટોગ્રાફી તપન વ્યાસ, સંપાદન રાકેશ સોની, સંગીત ભાવેશ શાહનું છે.