ગુજરાતમાં ‘FRSN ITI ઇકોસિસ્ટમ સમિટ 2026’ સંપન્ન: યુનિયન બજેટના સ્કિલ, જોબ અને ઇન્ડસ્ટ્રી- લિડ ટ્રેનિંગના લક્ષ્યોને વેગ મળ્યો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026: યુનિયન બજેટ 2026 માં સ્કીલિંગ, એમ્પલોયેબીલીટી અને ઉદ્યોગ-લક્ષી તાલીમ પર આપવામાં આવેલા વિશેષ ભાર વચ્ચે, ગુજરાતમાં ‘ફ્યુચર રાઈટ સ્કિલ્સ નેટવર્ક (FRSN) – ITI ઇકોસિસ્ટમ સમિટ 2026’ સંપન્ન થઈ હતી. આ સમિટમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે કેવી રીતે સરકારી નીતિઓ અને જાહેર રોકાણને ITI તાલીમાર્થીઓ માટે સાર્થક કારકિર્દીના પરિણામોમાં ફેરવી શકાય છે.

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરીના સહયોગથી આયોજિત આ સમિટમાં રાજ્યભરના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ITI વડાઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન્સ, ઇકોસિસ્ટમ પાર્ટનર્સ અને ITI તાલીમાર્થીઓ એકઠા થયા હતા. આ સંમેલન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પણ સાબિત થયુ હતું, કારણ કે રોજગાર અને તાલીમ નિયામક (DET) અને ક્વેસ્ટ એલાયન્સ  એ તેમના સમજૂતી કરાર (MoU) ને 2029 સુધી લંબાવ્યો છે. આ સાથે જ, ગુજરાતની ITI ઇકોસિસ્ટમમાં તાલીમાર્થીઓની ભાગીદારી, ડિજિટલ સશક્તિકરણ, પ્લેસમેન્ટ સિસ્ટમ અને ઉદ્યોગ જોડાણોને મજબૂત કરવા માટે આ જોડાણ તેના દસમા વર્ષમાં પ્રવેશ્યું છે.

મુખ્ય પ્રવચન આપતા  નીતિન સાંગવાન, આઈએએસ, ડિરેક્ટર, ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ & ટ્રેનિંગ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ જણાવ્યું હતું કે, ઓટોમેશનના કારણે ભલે કેટલીક નોકરીઓ લુપ્ત થઈ જાય, પરંતુ વોકેશનલ સ્કિલ્સ હંમેશા પ્રાસંગિક રહેશે અને વિવિધ ટ્રેડ્સનો વિકાસ થતો રહેશે. તેથી, સ્કિલ ડેવલોપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ. મુખ્ય પડકાર પ્રશિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં રહેલો છે; હું તમામ હિતધારકોને આગ્રહ કરું છું કે તેઓ તાલીમાર્થીઓના ભવિષ્યમાં રોકાણ કરે – જો પ્રયત્નોમાં માત્ર 5% જેટલો પણ મામૂલી વધારો કરવામાં આવે, તો તે આખા ક્લાસના પરિણામોમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે અમારો વિભાગ હાલમાં તાલીમાર્થીઓને વિવિધ ટ્રેડ્સ પસંદ કરવા માટે આર્થિક પ્રોત્સાહન  આપવા પર વિચાર કરી રહ્યો છે, જેથી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ આ તાલીમ લેવા માટે પ્રેરાય. આ ઉપરાંત, મહિલાઓની ભાગીદારી વધારવા માટે આચાર્યોએ સમાવેશી વાતાવરણ સુનિશ્ચિત કરવું જોઈએ અને ટોયલેટની સુવિધા તેમજ પ્રાઈવસી જેવી પાયાની જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

સમિટની સાથે આયોજિત ઇન્ડસ્ટ્રી રાઉન્ડ ટેબલમાં ચર્ચા કરવામાં આવી હતી કે, કેવી રીતે ITI અને ઉદ્યોગો વચ્ચેના જોડાણને માત્ર પ્લેસમેન્ટથી આગળ વધારીને અભ્યાસક્રમની પ્રાસંગિકતા, મેન્ટરિંગ, તાલીમાર્થીઓને વ્યવહારુ એક્સપોઝર અને કારકિર્દીના પરિવર્તન માટેના સપોર્ટ સુધી મજબૂત કરી શકાય.

ક્વેસ્ટ એલાયન્સના યુથ પ્રોગ્રામ ડાયરેક્ટર અને FRSN ના ડાયરેક્ટર નિકિતા બેંગાનીએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે ભારતમાં ITIs વિશે વાત કરીએ છીએ, ત્યારે બે વાતો વારંવાર સામે આવે છે. એક એ કે ITIs ઉદ્યોગોની જરૂરિયાત મુજબ સજ્જ નથી અને બીજું એ કે ટ્રેનર્સ અને તાલીમની ગુણવત્તા ઉદ્યોગોની અપેક્ષા મુજબની નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આ સમસ્યાઓ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. જે દેશોએ મજબૂત વોકેશનલ સિસ્ટમ ઊભી કરી છે, તે તમામે આ જ પ્રશ્નોનો સામનો કર્યો છે. સફળ પ્રણાલી અને સંઘર્ષ કરતી પ્રણાલી વચ્ચે જે મુખ્ય તફાવત છે તે એક જ છે – ઉદ્યોગોની તેમાં વાસ્તવિક અને સક્રિય ભાગીદારી .

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો ઉદ્યોગ જગત આ પ્રક્રિયામાં ખરેખર સક્રિય ભાગીદાર બને, જો ITIs ને વિશ્વાસપાત્ર સહભાગી ગણવામાં આવે અને જો રાજ્ય સરકાર એક સહાયક તરીકેની ભૂમિકા ભજવે, તો વાસ્તવિક પરિવર્તન માત્ર સારી તાલીમ કે નોકરી મેળવવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આપણા યુવાનો કામની આ ઝડપથી બદલાતી દુનિયામાં ખરા અર્થમાં પ્રગતિ કરી શકશે. આપણે આ પ્રકારની પ્રણાલીનું નિર્માણ કરવાની જરૂર છે.

સરકારના તાલીમાર્થી-કેન્દ્રીય સુધારા પરના વધતા ભારને પ્રતિબિંબિત કરતા, આ સમિટમાં ITI તાલીમાર્થીઓના અવાજને વાચા આપવામાં આવી હતી; જેમાં ટેકનિકલ તાલીમની સાથે ગુણવત્તાયુક્ત નોકરીઓ, રોજગારલક્ષી કૌશલ્યો અને ઉદ્યોગ જગતના વાસ્તવિક અનુભવ માટેની તેમની આકાંક્ષાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 20 તાલીમાર્થીઓ, પ્રશિક્ષકો, પ્લેસમેન્ટ ઓફિસરો અને આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પસંદગી ગુજરાત સરકારના DET સાથે પરામર્શ કરીને વિકસાવવામાં આવેલા પારદર્શક અને ડેટા-આધારિત માપદંડો પર આધારિત હતી, જેમાં ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગને બદલે વ્યક્તિગત સતત પ્રયત્નો અને સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ સમિટનો સમાપન સરકાર, ઉદ્યોગ જગત અને ઇકોસિસ્ટમ ભાગીદારોની સહિયારી પ્રતિબદ્ધતા સાથે થયો હતો, જેમાં આગામી વર્ષોમાં સહયોગી કામગીરીને વેગ આપવાનો સંકલ્પ લેવાયો હતો – જેથી સુનિશ્ચિત કરી શકાય કે સરકારી નીતિઓના ઉદ્દેશ્યો ગુજરાતભરના ITI તાલીમાર્થીઓ માટે વાસ્તવિક અને પાયાના સ્તરે સકારાત્મક પરિણામોમાં પરિવર્તિત થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *