- Song Link :- https://www.youtube.com/watch?v=O_ctfkJWd7M
ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે સામાન્ય રીતે મંડપો અને ઉત્સવોમાં હિન્દી ડાન્સ નંબર્સ પર લોકો ઝૂમતા હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વના ગુજરાતીઓ પોતાના જ પ્રાદેશિક હાઇ-ઓક્ટેન ગણેશ ઉત્સવ ‘ગીત ‘ગણપતિ બાપ્પા મોરિયા’ પર ડાન્સ કરી શકશે. લેન્સ એન્ડ લાઈટ્સ સ્ટુડિયો દ્વારા નિર્મિત અને કોરિયોગ્રાફર અને નિર્દેશક કેતુલ વાઘેલા તથા વડોદરાના પ્રતિભાશાળી કલાકારોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું પહેલું વિશાળ ગુજરાતી ગણેશ ડાન્સ સોંગ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ ધમાકેદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે.
આ ગીતમાં બેહરૂપિયો, S2G2 સહિતની ઘણી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર લોકપ્રિય અભિનેતા અને ડાન્સર મૌલિક ચૌહાણ પોતાના શાનદાર પરફોર્મન્સથી ધમાલ મચાવતા જોવા મળે છે. ‘દ્વારિકાનો નાથ’, ‘ડમરૂ બાજે ‘, ‘કાંટો વાગ્યો’ અને ‘ઉડતી રાખ’ જેવા હિટ ડાન્સ નંબર્સ આપ્યા બાદ મૌલિક ચૌહાણ માટે આ ગણપતિ ડાન્સ સોંગ એક નવો જ અનુભવ અને ફેન્સ માટે મોટી ભેટ સાબિત થશે. વડોદરાના લેન્સ એન્ડ લાઈટ્સ સ્ટુડિયોનું આ પ્રથમ પ્રોડક્શન છે, જેમણે પોતાના બેનરના શ્રી ગણેશ જ વિઘ્નહર્તાના આ ભવ્ય ગીતથી કર્યા છે. આ સોંગનું નિર્દેશન અને કોરિયોગ્રાફી જાણીતા કોરિયોગ્રાફર કેતુલ વાઘેલા દ્વારા કરવામાં આવી છે, જેમણે અગાઉ ઘણા ફેમસ શો તેમજ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ ગીતના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પાર્થ મિસ્ત્રી છે.
સંગીત ક્ષેત્રે પણ આ ગીતમાં મોટું નામ જોડાયેલું છે. પ્રણવ મહંત, શૈલેષ સોલંકી અને જિમિલ શાહ દ્વારા સ્વરબદ્ધ કરાયેલા આ ગીતને ગાયક સૌમિલ સોલંકીએ પોતાનો દમદાર અવાજ આપ્યો છે, જ્યારે આ ઉત્સાહવર્ધક શબ્દો મોનાલી દાલવી દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતનું વોકલ રેકોર્ડિંગ પ્રખ્યાત યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું છે, જ્યારે મિક્સિંગ અને માસ્ટરિંગ વડોદરાના ‘એ વેવ લેબ સ્ટુડિયો’ ખાતે કરવામાં આવ્યું છે.
હાલોલ નજીક આવેલા ‘લકી સ્ટુડિયો’ ખાતે ભવ્ય સેટ તૈયાર કરીને આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. સુરજ કુરડેના કેમેરા વર્ક અને હરકીરત સિંહ લાલના એડિટિંગ સાથે, હાર્દિક પટેલના સેટ ડિઝાઇન અને અંજલી ભાકતે તથા નિક્કી કુમારીની કોસ્ચ્યુમ ડિઝાઇને આ ગીતને દ્રશ્યાત્મક રીતે ખૂબ જ ભવ્ય બનાવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન ઘરોમાં સ્થાપિત બાપ્પાની મૂર્તિઓ તેમજ વિવિધ પંડાળો અને ગણેશ મંડળો માટે આ ગીત એક વિશેષ સમર્પણ છે. વડોદરાથી શરૂ થયેલી આ કલાત્મક સફર હવે દેશ-વિદેશના તમામ ગુજરાતીઓને ગણેશ ઉત્સવ પર ઝૂમવા માટે મજબૂર કરશે.
