EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે આ ફિલ્મ દર્શકો માટે હાસ્ય, મનોરંજન અને ધમાલથી ભરપૂર એક અદ્ભુત સિનેમેટિક સફર લઈને આવશે. આ ફિલ્મ શુક્રવાર, ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે આ વર્ષનું શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.
“ચોર નં. 1” ફિલ્મમાં ભરપૂર હાસ્યની સાથે-સાથે ડ્રામા અને લાગણીઓનું સુંદર મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા પ્રશાંત મોદી, અમિત વેડાવાળા અને પિન્કી વેડાવાળા છે, જ્યારે નીલેશ મોદી ના માર્ગદર્શન હેઠળ બનેલ આ ફિલ્મ ના મુખ્ય સ્ટારકાસ્ટમાં શ્રેય મારાડિયા, ઋષિ જાની, પાર્થ મોદી, આંચલ શાહ અને અર્ચન ત્રિવેદી જેવા ગુજરાતના ઉત્કૃષ્ટ અને પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
તાજેતરમાં લોન્ચ થયેલા આ ધમાકેદાર ટ્રેલરમાં ત્રણ એમ્પ્લોયીઝની એક અનોખી અને રમુજી વાર્તા દર્શાવવામાં આવી છે. કંપનીના મેનેજરની એક ભૂલનો ભોગ બન્યા બાદ, તેની સામે બદલો લેવા માટે આ ત્રણેય કર્મચારીઓ એક જ રાતમાં ચોરી કરવાનો રોમાંચક પ્લાન બનાવે છે. તે એક જ રાતમાં સર્જાતી હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ, ગેરસમજો અને મનોરંજક ઘટનાઓ ટ્રેલરમાં ઉત્સુકતા વધારે છે. હાસ્ય અને રોમાંચથી સભર આ ટ્રેલર માત્ર દર્શકોને પેટ પકડીને હસાવશે જ નહીં, પરંતુ કૉમેડીની સાથે સાથે એક સુંદર સામાજિક સંદેશ પણ પૂરો પાડે છે.

પડદા પાછળની ટીમની વાત કરીએ તો ફિલ્મના સિનેમેટોગ્રાફર (DOP) નાસિર ખાન છે અને સંગીત નિર્દેશન મૌલિક મહેતાએ આપ્યું છે. કિરણ પરિહાર દ્વારા લખાયેલા ગીતોને ઉમેશ બારોટ, મીત મહેતા અને મૌલિક મહેતા જેવા લોકપ્રિય ગાયકોએ પોતાના મધુર અવાજથી શણગાર્યા છે. આ ઉપરાંત, ફિલ્મના મજેદાર અને દમદાર સંવાદો કપિલ સાહેત્યાએ લખ્યા છે, જ્યારે થ્રિલ વધારતું બેકગ્રાઉન્ડ સ્કોર અયાન મકવાણા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. દમદાર સંવાદો, ઊર્જાસભર ગીતો અને ઉત્સુકતા વધારતા પૃષ્ઠભૂમિ સંગીત સાથે આ ટ્રેલર દર્શકોને શરૂઆતથી અંત સુધી હસાવવા અને સિનેમાઘરો તરફ આકર્ષિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
