INCA એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’નો દબદબો: પ્રોડ્યુસર ધનપાલ શાહ અને ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામીની ફિલ્મે મેળવ્યું ગૌરવપૂર્ણ નામાંકન

ગુજરાતી સિનેમા માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. પ્રતિષ્ઠિત ઇન્ડિયન નેશનલ સિને એકેડમી (INCA) એવોર્ડ્સમાં પ્રાદેશિક ફિલ્મોના દબદબા વચ્ચે ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’  એ વિવિધ કેટેગરીમાં નામાંકન મેળવીને રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત આ એવોર્ડ્સમાં 12 ભારતીય ભાષાઓની ફિલ્મો વચ્ચે સ્પર્ધા હતી, જેમાં ‘કાશી રાઘવ’ એ પોતાની અનોખી વાર્તા અને શ્રેષ્ઠ નિર્માણ મૂલ્યોના આધારે મહત્વનું સ્થાન હાંસલ કર્યું છે.

ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું સફળ નિર્માણ પ્રોડ્યુસર ધનપાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે, આ ફિલ્મની સંવેદનશીલ અને હૃદયસ્પર્શી વાર્તાને પડદા પર જીવંત કરવાનું શ્રેય રાઈટર અને ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામીને ફાળે જાય છે.

3 જાન્યુઆરી, 2025 ના રોજ રિલીઝ થયેલી ‘કાશી રાઘવ’ ફિલ્મ તેની સંવેદનશીલ વાર્તા અને કલાકારોના દમદાર અભિનયને કારણે પહેલાથી જ પ્રેક્ષકોની ફેવરિટ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મે કોલકાતા અને ગુજરાતના બેકગ્રાઉન્ડ સાથે સંબંધોની એક નવી વ્યાખ્યા રજૂ કરી હતી. હવે INCA એવોર્ડ્સમાં મળેલા નામાંકનોએ સાબિત કરી દીધું છે કે ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે.

આ એવોર્ડ્સમાં વિશેષ આકર્ષણ એ રહ્યું છે કે ‘કાશી રાઘવ’ ની સાથે ગુજરાતી સિનેમાની અન્ય શ્રેષ્ઠ ફિલ્મો જેવી કે ‘લાલો’, ‘ઈટ્ટા કિટ્ટા’, ‘કસૂંબો’, “ભ્રમ” ‘લગન સ્પેશિયલ’ અને ‘ત્રણ એક્કા’ ને પણ વિવિધ શ્રેણીઓમાં નોમિનેશન પ્રાપ્ત થયું છે. ગુજરાતી ફિલ્મોનું બોલિવૂડની મોટી ફિલ્મો જેવી કે ‘સિતારે જમીન પર’, ‘છાવા’ અને ‘ધુરંધર’ ની હરોળમાં સ્થાન મેળવવું એ પ્રાદેશિક સિનેમાની વધતી જતી તાકાત દર્શાવે છે.

દીક્ષા જોશી અને જયેશ મોરે જેવા દિગ્ગજ કલાકારો તેમજ ભરત ઠક્કર, કલ્પના ગગડેકર અને બાળ કલાકાર પીહૂશ્રી ગઢવી સહિતની સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મે પોતાની સચોટ પાત્ર પસંદગી અને મેકિંગ દ્વારા વિવેચકોનું પણ દિલ જીતી લીધું છે. INCA જેવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ‘કાશી રાઘવ’ ની આ સિદ્ધિ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે નવા દ્વાર ખોલશે અને આવનારા સમયમાં આપણી ફિલ્મો વૈશ્વિક સ્તરે વધુ નામના મેળવશે તેવી આશા જાગી છે.

Link- https://www.instagram.com/p/DWLwtgAETym/?img_index=2&igsh=MXB1MHd0bTZ2YXNmcQ%3D%3D

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *