“આકાશ શિવાનીના જીવનમાં કદાચ સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ છે, પરંતુતેની ભૂમિકા જ રાયનાની નથી”: શેમારૂમીના ‘હજુ વાત ચાલે છે’ વિશે રૌનક કામદાર

દરેક પ્રેમકથાની શરૂઆત કોઈ નાટકીય એકરારથી જ થાય એવું જરૂરી નથી અને જીવનમાં દરેક મહત્ત્વની વ્યક્તિનો પ્રવેશ પણ કોઈ ભવ્ય અંદાજમાં જ થાય એવું નથી. ક્યારેક જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતી વ્યક્તિઓ કોઈ પણ જાતના દેખાડા વિના, મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણી પડખે ઊભી રહે છે. શેમારૂમી પર ૨૨ ઑક્ટોબર, ૨૦૨૬ ના પ્રીમિયર થયેલી શેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’માં રૌનક કામદાર દ્વારા ભજવાયેલું આકાશનું પાત્ર કંઈક આવું જ સ્થાન ધરાવે છે.

સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલી અને હળવી-ફૂલકી મનોરંજનસભર પારિવારિક ફિલ્મ ‘હજુ વાત ચાલે છે’ શિવાની દવેની વાર્તા છે. શિવાની આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી બેંક કર્મચારી છે, જે પોતાની આગવી ઓળખ અને વ્યક્તિત્વ સાથે કોઈ બાંધછોડ કર્યા વિના યોગ્ય જીવનસાથીની શોધમાં ગોઠવેલાં લગ્ન માટેની એક પછી એક મુલાકાતોમાંથી પસાર થાય છે. આ સમગ્ર સફરમાં હાસ્ય, પારિવારિક અપેક્ષાઓ અને અણધાર્યા વળાંકો વચ્ચે આકાશ એક અલગ જ પ્રકારના સંબંધનો પરિચય કરાવે છે.

પાડોશીના દીકરા આકાશનો શિવાનીના જીવનમાં પ્રવેશ ત્યારે થાય છે, જ્યારે તેનો પરિવાર પોતાના પૈતૃક ઘર સાથે સંકળાયેલા બિલ્ડર કેસની ગૂંચવણોનો સામનો કરી રહ્યો હોય છે. શરૂઆતમાં એક પરિચિત અને સહાયક વ્યક્તિ તરીકે જોવા મળતો આકાશ ધીમે-ધીમે શિવાની સાથે એક ઊંડા ભાવનાત્મક સંબંધમાં બંધાતો જાય છે. શિવાનીને મળતા અન્ય સંભવિત જીવનસાથીઓથી વિપરીત, આકાશ સાથેનો તેનો સંબંધ કોઈ ઉતાવળ કે બનાવટ વિના સ્વાભાવિક રીતે વિકસે છે, જેમાં વિશ્વાસ, કાળજી અને એકબીજાને વધુ સારી રીતે સમજવાની ભાવના કેન્દ્રસ્થાને છે.

પોતાના પાત્ર વિશે વાત કરતાં રૌનક કામદાર કહે છે, “વિવિધ ફિલ્મો અને સિરીઝનો ભાગ બન્યા બાદ મને સમજાયું છે કે મને સૌથી વધુ આકર્ષિત કરતી વાર્તાઓ એવી હોય છે, જે જાણીતી અને આપણી આસપાસની લાગે, પરંતુ સાથે જ કંઈક અણધાર્યું કહેવાની ક્ષમતા પણ ધરાવતી હોય. ‘હજુ વાત ચાલે છે’ અને શેમારૂમી સાથે જોડાવા પાછળનું આ જ મુખ્ય કારણ હતું. મને આ વાત ગમી કે આ વાર્તામાં રોજિંદા પારિવારિક પ્રસંગોમાંથી હાસ્ય અને લાગણીઓ ખૂબ જ સહજ રીતે રજૂ કરવામાં આવી છે, કોઈ બિનજરૂરી પ્રયાસ વિના. આ એક મનોરંજક અને સહજ રીતે દરેકને પોતાની લાગતી પારિવારિક વાર્તા છે, જેમાં લાગણીઓની કેટલીક નાની-નાની ક્ષણો પણ છે, જે એકદમ વાસ્તવિક લાગે છે. આકાશ પણ એવું પાત્ર નથી, જેની પાસે દરેક સમસ્યાનો ઉકેલ હોય. તેના પોતાના સંઘર્ષો છે અને પાત્રની આ પ્રામાણિકતા મને રસપ્રદ લાગી. ઘણી વાર શાંત અંદાજમાં કહેવાયેલી વાર્તાઓ અને સામાન્ય કરતાં અલગ પાત્રો જ લાંબા સમય સુધી યાદ રહી જાય છે. આકાશ એવું પાત્ર છે, જેને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ મોટા દેખાડાની જરૂર નથી. તે કાળજી રાખનાર, ભરોસાપાત્ર અને જરૂર પડે ત્યારે સાથ આપવા હંમેશાં હાજર રહેતી વ્યક્તિ છે. મને તેની આ વિશેષતા ગમી કે તેને કોઈ પરંપરાગત રોમેન્ટિક હીરો તરીકે રજૂ કરવામાં આવ્યો નથી. એટલે જ કહી શકાય કે આકાશ ભલે શિવાનીના જીવનમાં સૌથી શાંત સ્વભાવનો વ્યક્તિ હોય, પરંતુ તેની ભૂમિકા જરાય નાની નથી.”

હાસ્ય, પારિવારિક સંબંધોની ગૂંથણી, બદલાતા સંબંધો અને પ્રેમ પ્રત્યેના આધુનિક અભિગમના સુંદર સમન્વય સાથે ‘હજુ વાત ચાલે છે’ યોગ્ય જીવનસાથીની શોધની સફરને એક નવા અને તાજગીભર્યા અંદાજમાં રજૂ કરે છે. શિવાનીની પ્રેમની શોધ તેને અનેક અણધાર્યા અનુભવો અને મુલાકાતો તરફ લઈ જાય છે, પરંતુ આકાશની શાંત હાજરી એ વાત સાબિત કરી શકે છે કે ઘણી વાર જીવનના સૌથી અર્થપૂર્ણ સંબંધો ત્યારે બંધાય છે, જ્યારે આપણે તેની અપેક્ષા પણ ન રાખતા હોઈએ.

શેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’માં આકાશના પાત્રમાં રૌનક કામદારને નિહાળો. આ ફક્ત શેમારૂમી પર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *