ગુજરાતમાં રચાશે નવો ઇતિહાસ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬

‘ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬’ (FIBA Basketball World Cup Qualifiers 2026) નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અને રોમાંચક ટુર્નામેન્ટ અમદાવાદના અત્યાધુનિક વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સક્રિય પ્રયાસો અને દૂરોગામી વિઝનને કારણે આ શક્ય બન્યું છે, જે વૈશ્વિક રમતગમતના નકશા પર ગુજરાતને એક અગ્રણી સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે મજબૂતીથી સ્થાપિત કરે છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બાસ્કેટબોલ પ્રેમીઓને ભારતીય રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમની બે રોમાંચક મેચો જોવાનો લહાવો મળશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ભારત અને કતાર વચ્ચે ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે રમાશે. જ્યારે બીજી મહત્વની મેચ ભારત અને લેબનાન વચ્ચે ૫ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યે રમાશે. આ જ સ્ટેડિયમમાં તાજેતરમાં સફળતાપૂર્વક યોજાયેલી ઇન્ટરનેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ બાદ આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જે બેક-ટુ-બેક મોટા વૈશ્વિક આયોજનો કરવાની ગુજરાતની ક્ષમતા દર્શાવે છે.

ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત માટે ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનું પ્રથમ વખત યજમાન બનવું એ અત્યંત ગર્વની બાબત છે. આ ઐતિહાસિક સિદ્ધિ ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજનના દરેક તબક્કે મળેલા અવિરત સહયોગ અને પ્રોત્સાહનને કારણે જ શક્ય બની છે. તેમના રમતગમતના વિકાસ પ્રત્યેના સમર્પણે ગુજરાતને દેશના અગ્રણી સ્પોર્ટ્સ હબમાં પરિવર્તિત કર્યું છે.

એસોસિએશનના શ્રી શફીક શેખે ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વોલીબોલ અને હવે આ ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનું સફળ આયોજન એ સાબિત કરે છે કે ગુજરાત મોટા વૈશ્વિક રમતગમતના આયોજનો માટે સંપૂર્ણ સક્ષમ છે. આ આયોજન માત્ર બાસ્કેટબોલની રમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વધી રહેલા કદની ઉજવણી છે. તેમણે તમામ દેશોની ટીમો, ફિબાના અધિકારીઓ અને ચાહકોને ગુજરાતમાં ઉષ્માભર્યું આવકાર આપતાં એક અવિસ્મરણીય અનુભવની આશા વ્યક્ત કરી હતી.

ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ઉમેશ પાઠકે આ રમત પાછળના સામાજિક ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત નથી, પરંતુ રમતગમતની શક્તિ દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પણ એક પ્રયાસ છે. આ વૈશ્વિક સ્પર્ધાની સાથે એસોસિએશન દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન ‘સે નો ટુ ડ્રગ્સ, સે યસ ટુ લાઈફ’ અને ‘ડ્રગ મુક્ત ભારત’ નો સંદેશ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. રમતગમત યુવાનોને શિસ્તબદ્ધ અને સ્વસ્થ જીવન તરફ વાળવામાં મદદરૂપ બને છે. આ કાર્યમાં ગુજરાત પોલીસ તરફથી મળેલા મૂલ્યવાન સહયોગ બદલ તેમણે આભાર માન્યો હતો.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન (ABDA) ના પ્રમુખ શ્રી મુકેશ અમીને જણાવ્યું હતું કે, ભારતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, કતાર અને લેબનાનની ટીમો તેમજ ફિબાના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે સજ્જ છે. અમદાવાદ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત આતિથ્ય સત્કાર અને આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અનોખું મિશ્રણ ધરાવે છે. અમદાવાદ શહેર આ રોમાંચક મુકાબલાઓનો સાક્ષી બનવા આતુર છે અને તે દેશના એક આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ તરીકે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI) ના સમન્વય સાથે તમામ ખેલાડીઓ, કોચ, રેફરી અને આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ અને આતિથ્ય પ્રદાન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમની ટેકનિકલ ટીમ, વહીવટી સ્ટાફ, કોચ અને સ્વયંસેવકો રાત-દિવસ એક કરીને આ આયોજનને વૈશ્વિક સ્તરે સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.

એસોસિએશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ટૂર્નામેન્ટ ગુજરાતની ખેલ જગતની સફરમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે. આ તો માત્ર એક શરૂઆત છે, કારણ કે આ વર્ષે ઓગસ્ટ ૨૦૨૬માં આનાથી પણ મોટી ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે, જે ગુજરાતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન તમામ રમતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારોને સ્ટેડિયમમાં આવીને આ રોમાંચક આંતરરાષ્ટ્રીય મેચો નિહાળવા અને આપણી ભારતીય ટીમ (ટીમ ઇન્ડિયા) નો ઉત્સાહ વધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે. ગુજરાતના વિશ્વસ્તરીય આતિથ્ય અને રમતગમતના આ અદ્ભુત મહોત્સવમાં આપ સૌનું સ્વાગત છે.

ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા જનહિતમાં પ્રસારિત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *