ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ : પૂજ્ય વિરલ બાપુ

•  ડ્રગ્સમુક્ત ભારત • સંસ્કારયુક્ત યુવા પેઢી • ગૌસેવા • વૈદિક શિક્ષણ • આયુર્વેદ • ગ્રામ વિકાસ • દીકરીઓનું સ્વાસ્થ્ય • રક્તદાન • નિઃશુલ્ક મોક્ષસેવા • પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ તરફ રાષ્ટ્રીય અભિયાન

અમદાવાદ: ભારત હજારો વર્ષોથી વિશ્વને આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે. પરંતુ આજના સમયમાં દેશ સામે એક નવો પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે, ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાનોનું સ્થળાંતર વધી રહ્યું છે અને અનેક ગરીબ પરિવારો શિક્ષણ, આરોગ્ય તથા અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ એ  માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતા સીમિત ન રહી, પરંતુ “ધર્મથી સમાજ પરિવર્તન”ની દિશામાં એક વ્યાપક રાષ્ટ્રીય જનઆંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પૂજ્ય વિરલબાપુએ*જણાવ્યું, “ધર્મનો હેતુ માત્ર મંદિર સુધી સીમિત નથી. ધર્મનો સાચો અર્થ છે – માનવસેવા, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ. ભગવાનને સોનાના મંદિરોની જરૂર નથી; ભગવાનના સંતાનોનું જીવન સોનેરી બનવું જોઈએ.”

તેમણે જણાવ્યું કે આજની નવી પેઢી અંધશ્રદ્ધા નહીં, પરંતુ તર્ક, વિજ્ઞાન અને પુરાવાને સ્વીકારે છે. તેથી ધર્મને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાનો સમય આવી ગયો છે.આ હેતુસર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાં “વિજ્ઞાન અને ધર્મ – Two Sides of One Coin” અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં ગાયના ઘીનો દીવો, યજ્ઞ, તિલક, આરતી, તુલસી, પીપળા, ઉપવાસ અને અન્ય વૈદિક પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પાસાઓને સરળ ભાષામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પૂજ્ય વિરલબાપુએ વધુમાં જણાવ્યું, “આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પરંતુ ડ્રગ્સ સામે, ડિપ્રેશન સામે, પરિવારના વિખવાદ સામે અને સંસ્કારના સંકટ સામે લડવાનું છે. જો આપણે આજે યુવાનોને સાચી દિશા નહીં આપીએ તો આવતીકાલે માત્ર અર્થતંત્ર નહીં, પરંતુ સમગ્ર સમાજને તેની કિંમત ચૂકવવી પડશે.”

આ દિશામાં ટ્રસ્ટ દ્વારા રાજ્યવ્યાપી ડ્રગ્સમુક્તિ અભિયાન, યોગ અને ધ્યાન કેન્દ્રો, પરિવાર સંસ્કાર અભિયાન, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ, યુવા વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો અને મૂલ્યઆધારિત શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે વિશાળ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે, જ્યારે ગૌરી વ્રત દરમિયાન દીકરીઓ માટે *પોષણ અને સ્વાસ્થ્ય અભિયાન* હેઠળ પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવશે.

ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બે ઐતિહાસિક સેવા પ્રકલ્પોની જાહેરાત પણ કરવામાં આવી છે: વૃંદાવન ધામ – 1000 નંદીઓ માટે આધુનિક નંદીશાળા, નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નપૂર્ણા ભંડાર, વૃદ્ધાશ્રમ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને આધ્યાત્મિક સંશોધન કેન્દ્ર. મા મકરવાહિની મોક્ષધામ ફાઉન્ડેશન – ચાણોદ– સમગ્ર ભારતમાંથી આવતા પરિવારો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા, જેથી કોઈપણ પરિવાર આર્થિક કારણોસર પોતાના ધાર્મિક કર્તવ્યથી વંચિત ન રહે.

અંતિમધામ આશ્રમનું વિઝન- પૂજ્ય વિરલબાપુના દિવ્ય માર્ગદર્શન હેઠળ કાર્યરત અંતિમધામ આશ્રમ માત્ર એક ધાર્મિક સંસ્થા નથી, પરંતુ આધ્યાત્મિકતા, માનવસેવા અને રાષ્ટ્ર નિર્માણનું જીવંત કેન્દ્ર છે. આશ્રમનો મુખ્ય સંકલ્પ સનાતન હિંદુ સંસ્કૃતિ અને ધર્મના શાશ્વત મૂલ્યોનું સંરક્ષણ, ગ્રામ વિકાસ, ગૌસેવા, વૈદિક શિક્ષણ, આયુર્વેદ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને સર્વાંગી આરોગ્ય દ્વારા આત્મનિર્ભર તથા સંસ્કારસભર સમાજનું નિર્માણ કરવાનો છે.

આશ્રમનું કાર્ય આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વય પર આધારિત છે, જેમાં ગૌમાતા, પ્રકૃતિ અને માનવજાત વચ્ચેનું સંતુલન જાળવીને ટકાઉ વિકાસ તરફ સમાજને પ્રેરિત કરવામાં આવે છે.આશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સની ભાવના સાથે સુસંગત છે. ખાસ કરીનેસ્વાસ્થ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ટકાઉ કૃષિ, સ્વચ્છ પર્યાવરણ અને સામાજિક સમાનતા જેવા ક્ષેત્રોમાં આશ્રમ સતત કાર્યરત છે.

પૂજ્ય વિરલબાપુએ દેશના તમામ ધાર્મિક ટ્રસ્ટો, ઉદ્યોગપતિઓ, શિક્ષણ સંસ્થાઓ, ડૉક્ટરો, યુવાનો અને સેવાભાવી નાગરિકોને ખુલ્લું આહ્વાન કરતાં જણાવ્યું:”સમય આવી ગયો છે કે આપણે ધર્મને માત્ર મંદિરોની દિવાલોમાં નહીં, પરંતુ સમાજના દરેક ઘરમાં લઈ જઈએ. જ્યાં એક વ્યસની યુવાનને નવું જીવન મળે, એક ગરીબ બાળકને શિક્ષણ મળે, એક દીકરીને પોષણ મળે, એક વૃદ્ધને સન્માન મળે, એક ખેડૂત આત્મનિર્ભર બને અને એક ગરીબ પરિવારને અંતિમ સંસ્કારમાં સહારો મળે — ત્યાં જ ભગવાનનો સાચો નિવાસ છે.”

અંતમાં તેમણે દેશ માટે એક સંકલ્પ વ્યક્ત કર્યો: “મંદિરો ભવ્ય હોવા જોઈએ, પરંતુ તેનાથી પણ ભવ્ય આપણા સંસ્કાર હોવા જોઈએ. ગૌમાતા સુરક્ષિત હોવી જોઈએ, ખેડૂત સમૃદ્ધ હોવો જોઈએ, યુવાનો વ્યસનમુક્ત હોવા જોઈએ, દીકરીઓ સ્વસ્થ હોવી જોઈએ, વૃદ્ધો સન્માનિત હોવા જોઈએ અને દરેક ગરીબને ગૌરવ સાથે જીવવાનો અધિકાર મળવો જોઈએ. એ જ સાચો સનાતન ધર્મ છે. “અંતિમધામ આશ્રમનો સંકલ્પ- “ધર્મથી સંસ્કાર… સંસ્કારથી સેવા… સેવાથી સમાજ… સમાજથી સમૃદ્ધ રાષ્ટ્ર… અને સમૃદ્ધ રાષ્ટ્રથી વિશ્વકલ્યાણ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *