અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: ગુજરાતી સાયકોલોજિકલ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 1 ઓક્ટોબર, 2026 ના રોજ JOJO OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. સિનેમાઘરોમાં સફળ પ્રદર્શન બાદ, આ ફિલ્મ હવે વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકો માટે JOJO App પર ઉપલબ્ધ થશે, જેથી ભારત તેમજ ભારતની બહાર વસતા દર્શકો આ પ્રશંસાપાત્ર થ્રિલર ફિલ્મને ઓનલાઇન નિહાળી શકશે.
ફિલ્મની વાર્તા એક એવા માણસની આસપાસ ફરે છે જે પોતે કરેલા ગુનાની કબૂલાત કરવા માંગે છે અને તેને પૂર્ણ ખાતરી છે કે તે ગુનેગાર છે, પરંતુ આખી દુનિયા તેને નિર્દોષ માને છે. પુરાવા અને સંજોગો તેની વિરુદ્ધ હોવા છતાં, સત્યની શોધ તેને એક એવા વળાંક પર લાવે છે જે અંતે સંબંધો અને માનસિકતાને સંપૂર્ણપણે ઝંઝોળાવી મૂકે છે.

એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને અભિનય દેશમુખ દ્વારા લિખિત તથા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા (‘માનવ’) અને શ્રદ્ધા ડાંગર (‘નિત્યા’) મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે હિતેન તેજવાણી, સુચિતા ત્રિવેદી અને ઉજ્જવલ દવે જેવા દિગ્ગજ કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે.
આ મહત્વકાંક્ષી ડિજિટલ રિલીઝ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO App ના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “JOJO પ્લેટફોર્મ પર અમારો હંમેશાં એવો પ્રયાસ રહ્યો છે કે અમે વૈશ્વિક સ્તરે વસતા ગુજરાતી દર્શકો સુધી શ્રેષ્ઠ અને અનોખું મનોરંજન પહોંચાડીએ. ‘પાતકી’ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભારતીય અને ગુજરાતી સિનેમાની એક અદભુત સાયકોલોજિકલ થ્રિલર છે, જેણે બોક્સ ઓફિસ પર પોતાની કન્ટેન્ટની શક્તિ સાબિત કરી બતાવી છે. આ પ્રકારની મજબૂત અને પ્રભાવશાળી વાર્તાઓને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવી એ JOJO નો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે ૧ ઓક્ટોબરથી જ્યારે આ ફિલ્મ JOJO પર રિલીઝ થશે, ત્યારે ઘરમાં બેસીને ડિજિટલ માધ્યમથી ફિલ્મ માણતા દર્શકોને પણ તે અંત સુધી જકડી રાખશે.”
