ફર્ટિલિટી મેપિંગ: શા માટે તે જેન ઝી અને મિલેનિયલ્સ માટે અનિવાર્ય હેલ્થ ચેક-અપ બની રહ્યું છે

ફર્ટિલિટી હવે એવી બાબત રહી નથી કે જેને યુવાનો ‘પછી જોઈ લેવાશે’ એમ માનીને અવગણી શકે. જેન ઝી અને મિલેનિયલ્સમાં હવે એ વાતની જાગૃતિ વધી રહી છે કે રિપ્રોડક્ટિવ હેલ્થનું ઘડતર વર્ષો પહેલાથી જ શાંતિપૂર્વક થતું હોય છે, જેનું મહત્વ ગર્ભાવસ્થાના આયોજન સમયે સમજાય છે. બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ, અમદાવાદના ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડો. નિમિષા શાંતિલાલ પંડ્યા સમજાવે છે કે, ફર્ટિલિટી મેપિંગ આ જ અનુભૂતિમાંથી ઉતરી આવેલ એક માર્ગ છે. તે શરીરને વહેલી તકે સમજવાની તક આપે છે, જેથી ભવિષ્ય માટે જ્યારે વિકલ્પો ઉપલબ્ધ હોય ત્યારે જ યોગ્ય નિર્ણય લઈ શકાય.

મૂળભૂત રીતે જોઈએ તો, ફર્ટિલિટી મેપિંગ એ પ્રજનન સ્વાસ્થ્યનું એક વ્યવસ્થિત ચિત્ર  છે. જેમાં હોર્મોનલ સંતુલન, ઓવેરિયન રિઝર્વ, ઓવ્યુલેશન પેટર્ન, માસિક ધર્મની નિયમિતતા, સ્પર્મ પેરામીટર્સ અને લાઈફસ્ટાઈલના જોખમી પરિબળોનું એકસાથે મૂલ્યાંકન કરવામાં આવે છે. જે પેઢી પોતાની ઊંઘ, પોષણ અને માનસિક સ્વાસ્થ્યને ટ્રૅક કરવા ટેવાયેલી છે, તેમના માટે ફર્ટિલિટી મેપિંગ એ પ્રિવેન્ટિવ કેરના એક નેચરલ ભાગ જેવું લાગે છે.

અત્યારે જ યોગ્ય સમય શા માટે મહત્વનો છે?

આ આંકડાઓ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે. ગ્લોબલ ટ્રેન્ડની જેમ ભારતના શહેરી વિસ્તારોમાં પણ પ્રથમ વખત માતા-પિતા બનવાની સરેરાશ ઉંમરમાં સતત વધારો થયો છે. SART ના ડેટા મુજબ, 1980 માં લગ્ન સમયે સ્ત્રીની સરેરાશ ઉંમર 22 વર્ષ હતી, જે હવે વધીને 28 વર્ષ થઈ ગઈ છે. તે જ સમયે, અનેક મોટા અભ્યાસોએ સતત દર્શાવ્યું છે કે વધતી ઉંમર સાથે સ્ત્રીઓની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. ઓવેરિયન રિઝર્વ અને એગ ક્વોલિટી  ત્રીસીના દાયકાની શરૂઆતથી જ ઘટવા લાગે છે, અને ઘણીવાર તેના કોઈ સ્પષ્ટ લક્ષણો પણ દેખાતા નથી. બીજી તરફ, પુરૂષોની પ્રજનન ક્ષમતા પર પણ લાઈફસ્ટાઈલના પરિબળો જેમ કે મેદસ્વીતા, ધૂમ્રપાન, અપૂરતી ઊંઘ અને પર્યાવરણીય અસરોની માઠી અસર જોવા મળી રહી છે.

ફર્ટિલિટી મેપિંગની સાચી કિંમત એ છે કે તે શરીરમાં આવતા આ ફેરફારોને વહેલી તકે જાહેર કરે છે, એવા સમયે જ્યારે સારવાર અથવા હસ્તક્ષેપ વધુ સરળ હોય છે અને તેના પરિણામો પણ ઘણા સારા મળે છે.

લક્ષણ-આધારિત સારવારથી આગળ વધવું

પરંપરાગત રીતે, પ્રજનનક્ષમતાનું પરીક્ષણ ત્યારે જ કરવામાં આવતું હતું જ્યારે કોઈ કપલ મહિનાઓ કે વર્ષો સુધી ગર્ભધારણ કરવામાં નિષ્ફળ રહે. આ રિએક્ટિવ એપ્રોચ ને કારણે ઘણીવાર લો ઓવેરિયન રિઝર્વ, થાઈરોઈડની અસમાનતા, PCOS અથવા પુરુષ વંધ્યત્વ જેવી સમસ્યાઓ ખૂબ મોડી જાણવા મળતી હતી. ફર્ટિલિટી મેપિંગ આ ક્રમને ઉલટાવી દે છે. તે વ્યક્તિઓ અને યુગલોને સમયનું દબાણ વધે તે પહેલાં જ તેમના સ્વાસ્થ્યની પાયાની સ્થિતિ સમજવાની તક આપે છે.

મહત્વની વાત એ છે કે, ફર્ટિલિટી મેપિંગમાં જોવા મળતા તમામ તારણો માટે તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોતી નથી; તેના બદલે તે જાગૃતિ અને માહિતગાર આયોજન માટેની તક પૂરી પાડે છે. કેટલાક લોકો માટે, તેનો અર્થ લાઈફસ્ટાઈલમાં સુધારો અને સ્વાસ્થ્યને વધુ સારું બનાવવો એવો થાય છે. બીજી તરફ, ફર્ટિલિટી મેપિંગ સમયસરના વિકલ્પો પણ ખોલી આપે છે, જેમ કે ફર્ટિલિટી પ્રિઝર્વેશન. જેમાં એગ ફ્રીઝિંગ અથવા સીમેન ફ્રીઝિંગનો સમાવેશ થાય છે. આ સુવિધા વ્યક્તિઓને તેમની પ્રજનન ક્ષમતાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, જેથી તેઓ પોતાની કારકિર્દી, વ્યક્તિગત લક્ષ્યો અથવા અન્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેનો મુખ્ય ફાયદો એ છે કે તમે ઉતાવળ કે દબાણમાં નિર્ણય લેવાને બદલે, સમય રહેતા પોતાની મરજીથી યોગ્ય પસંદગી કરી શકો છો.

સ્પષ્ટતા માટેનું સાધન, ચિંતા માટે નહીં

જેન ઝી અને મિલેનિયલ્સ માટે, ફર્ટિલિટી મેપિંગ માહિતી દ્વારા આશ્વાસન અને નિશ્ચિંતતા આપે છે. વ્યક્તિ પોતે સ્વાસ્થ્યના કયા તબક્કે છે તેની સચોટ જાણકારી હોવાથી અટકળો દૂર થાય છે, ગભરાટમાં લેવાતા નિર્ણયો ઘટે છે અને ફેમિલી પ્લાનિંગ એ ‘રિએક્ટિવ’ રહેવાને બદલે સભાનપણે લીધેલો નિર્ણય બને છે. આજના યુગમાં જ્યાં રિપ્રોડક્ટિવ ટાઈમલાઈન વધુને વધુ જટિલ બની રહી છે, ત્યાં ફર્ટિલિટીને વહેલી તકે સમજવી એ હવે માત્ર છેલ્લી ઘડીનો વિચાર નથી રહ્યો, પરંતુ તે સેલ્ફ-કેરનું એક અનિવાર્ય સ્વરૂપ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *