⭐⭐⭐⭐
“ભરો કરમની થેલી રે ભાઇ ભરો કરમની થેલી”.. વાહ.. આ ગીત સાંભળતા ગુસબમ્પ્સ આવી જાય.. તમામ દર્શકોની આંખોમાં નમી અને હૃદયમાં જીવદયાની ભાવના પ્રકટ થઇ જાય. અબોલ પશુઓની વાત સંભળાય અને સમજી શકાય એવા સુંદર સંદેશા સાથેની ફિલ્મ ‘જીવ’ જાણે અંતરના સૂતેલા ભાવને સજીવ કરી ગઇ. એ વરસો જૂની બા ની વાતો સ્મૃતિપટ પર વાગોળવા લાગે. બપોરની રસોઇ ટાણે એક રોટલી કૂતરા માટે અને એક રોટલી ગાય માટે અલગ કરવાની પરંપરા, રિવાજ કે સંકલ્પ જે પણ માનીએ પણ અચૂક નિભાવતા એ પ્રથા, આજના સમયમાં જાણે સાઉ વિસરાઇ ગઇ. બાપુના સિદ્ધાંતો અને બા નો ઉદાર જીવ, આંગણે આવેલા અતિથિ તો શું મૂક પશુ પણ અન્નનો દાણો આરોગ્યા વિના પરત ન ફરે કદી એ ક્ષણોને ફરી ‘જીવ’ ફિલ્મના માધ્યમથી જીવંત થતી જોવા મળી. ‘જીવ’ ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને અઢળક શુભેચ્છાઓ અને ખમ્મા ઘણી.
હાલ અંદાજે બે અઢી લાખની વસ્તી ધરાવતું કચ્છ જિલ્લાનું રાપર શહેર જે 1970ના દાયકામાં એક નાનકડું ગામ હતું, ત્યાં વસતા જીવદયા પ્રેમી વેલજીભાઇ મહેતાની વાત અને વાર્તા એટલે ફિલ્મ ‘જીવ’. રાપર તેમજ આસપાસના ગામોમાંથી થતી પ્રાણીઓની તશ્કરીને અટકાવીને વેલજીભાઇ અને તેમના મિત્રો પ્રાણીઓને બચાવે છે અને તે પ્રાણીઓના જતનની જવાબદારી આખુંય રાપર ગામ પોતાના માથે લઇ લે છે. તેના નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે વેલજીભાઇ જીવદયા મંડળની શરુઆત કરે છે અને જોતજોતામાં તો રાપર ગામની સાથે સાથે આસપાસના ગામના લોકો તેમજ મુંબઇના ધનિકો પણ જીવદયાના આ ધર્મકાર્યમાં વેલજીભાઇની વારે આવે છે. ગામના પાદરે વિશાળ જગ્યામાં ગાયો, ભેંસો, ઘેટા, બકરા તમામ માટે રહેવાની જગ્યા, ઘાસચારો, તેમની સાચવણી માટે ગોવાળિયા બધું જ ગોઠવાઇ ગયું.
જીવદયા સિવાય વેલજીભાઇને કાંઇ ન સૂજે. જીવની સેવામાં વેલજીભાઇએ આખું આયખું સમર્પિત કરી દીધું. કેટલાય લોકો સામે લડ્યા, તો કટેલાયની સામે હાથ પણ જોડ્યા. પણ વેલજીભાઇએ જીવદયા માટે જે બીડું ઝડપ્યું એ જીવનના અંતિમ શ્વાસ સુધી છોડ્યું નહી. દુકાળ, ભૂકંપ જેવી કપરી પરિસ્થિતિઓમાં પણ એ ઝઝૂમતા રહ્યા અને જીવદયાના કાર્ય માટે પહેલ કરતા જ રહ્યા. વેલજીભાઇ મહેતાના પાત્રને બખુબી નિભાવનાર દિગ્ગજ અભિનેતા શ્રી ધર્મેન્દ્ર ગોહિલની પ્રશંસા માટે શબ્દો ઘટે બાપુ. ધર્મેન્દ્ર ગોહિલના અભિનયના તો સૌ કોઇ ચાહક છે અને આ ફિલ્મ જોયા પછી તો તેમના અભિનયની પ્રશંસામાં આખી ડિક્શનરી ખાલી કરી દો તોયે ઓછી પડે.
શહેરમાં મૂળજીભાઇ મહેતા (યતીન કાર્યેકર) તેમના પુત્ર મિહીર (સની પંચોલી), પુત્રવધુ ગાર્ગી (શ્રદ્ધા ડાંગર) અને પૌત્ર સાથે રહે છે. પૌત્રના દાદા સાથેના સંવાદો ખૂબ જ હૃદયસ્પર્શી છે. પૌત્રને જે કંઇ પણ પ્રશ્ન થાય તેનું સમાધાન દાદા વેલજીભાઇ મહેતાની વાતથી આપે છે એ બાબતને બખૂબી વર્ણવી છે ફિલ્મના મેકર્સે. સાથે સાથે મૂળજીભાઇના પરિવારની વાત પણ આજના સમયના દરેક ઘરના કિસ્સાને ઉજાગર કરે છે. ધંધામાં જ પરોવાયેલા પિતાને પોતાની પત્ની કે બાળકો માટે સમય જ મળતો નથી અથવા કામની ભાગદોડમાં પરિવાર માટે સમય આપવાનું જ ભૂલાઇ જાય છે તે વાતને ખૂબ જ સરળતાથી સમજાવી છે. એક તરફ મૂળજીભાઇના પરિવારની વાત ચાલુ હોય તો બીજી તરફ દાદા પૌત્રના સંવાદોમાં વેલજીભાઇ મહેતાની વાર્તા ચાલે, સાચે જ દિગ્દર્શક જિગર કાપડીનું દિગ્દર્શન અત્યંત પ્રશંસનીય છે. કોમેડી કલાકાર તરીકે સુપ્રસિદ્ધિ હેમાંગ શાહ – ચરિયોના પાત્રમાં પડદા પર નાનકડી ભૂમિકામાં પણ નોંધનીય અસર છોડીને જાય છે. આ પૂર્વે કરસનદાસ, મોન્ટુની બિટ્ટુ, હાહાકાર જેવા અનેક ફિલ્મોમાં હેમાંગભાઇ એ દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. પણ આ ફિલ્મમાં એક અલગ અવતારમાં જોવા મળે છે.
‘ફાટીને’ ફિલ્મનો ઝંડ (ભૂત) સૌને યાદ હશે, એ પાત્રને અમર કરી દીધું અભિનેતા આકાશ ઝાલાએ. ‘જીવ’માં આકાશ ઝાલાએ અલજીબાપુંનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં પોતાના અદ્દભુત અભિનય દ્વ્રારા આકાશ ઝાલા દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહ્યા છે.
ફિલ્મનું સંગીત ખૂબ જ સુંદર છે અને જરુરિયાત પ્રમાણે આવતા ફિલ્મના દરેક ગીત સાંભળવા ગમે છે. કેદાર-ભાર્ગવના શબ્દો હોય તો ગીતમાં ક્યાં કશું ઘટે? ટાઇટલ ટ્રેક, ભરો કરમની થેલી, ધબકારા ત્રણેય ગીતો એકમેકથી ચડિયાતા છે. અને ફિલ્મના અંતમાં બ્રિજરાજ ગઢવીના કંઠે સંભળાતો ડાયરો, મોજ લાવી દે છે. ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે કશ્યપ કાપટા અને જીવદયાનો સંદેશો ઘરે ઘરે પહોંચે એવા ઉમદા આશય સાથે આવી સુંદર મજાનું ફિલ્મનું નિર્માણ કરનારા પ્રોડ્યુંસર્સ શ્રી વિકી મહેતા અને નિરવ મહેતાને કોટી કોટી વંદન છે.
આ ફિલ્મ થકી એ સંદેશો પાઠવવામાં આવ્યો છે કે દરેક જીવ એ પછી મનુષ્ય હોય કે પશુપક્ષીઓ, સૌ કોઇ માટે હૃદયમાં જીવદયાની ભાવના રાખવી જોઇએ.
