અમદાવાદ, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટીરા) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વચ્ચે પીએચડી સંશોધન, એડવાન્સ્ડ ટેક્સટાઇલ, આર&ડી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-લક્ષી શિક્ષણમાં ભાગીદારી મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ એમઓયુ ચાંદખેડા, અમદાવાદ ખાતે આવેલી જીટીયુ ઑફિસમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અટીરા તરફથી શ્રી પ્રજ્ઞેશ શાહ (ડાયરેક્ટર), ડૉ. કામેશ્વર રાવ (આસિસ્ટન્ટ ડાયરેક્ટર), બિશ્નુ રાય (હેડ HR&IR), ડૉ. અંકુશ શર્મા (સિનિયર સાયન્ટિફિક ઑફિસર) અને ડૉ. અશ્વિન ઠક્કર(કન્સલ્ટન્ટ) હાજર રહ્યા હતા. જ્યારે જીટીયુ તરફથી કુલપતિ ડૉ. વૈભવ ભટ્ટ (વાઇસ ચાન્સેલર), ડૉ. કે. એન. ખેર (રજિસ્ટ્રાર), ડૉ. માધુરી ભાવસાર (ડાયરેક્ટર જીટીયુ-સેટ) અને ડૉ. રાજેશ ઠક્કર (ડાયરેક્ટર R&D સેલ) ઉપસ્થિત રહ્યા હતા.
આ કરારનો મુખ્ય હેતુ યોગ્યતા ધરાવતા પીએચડી સંશોધકોને અટીરા સાથે મળીને રિસર્ચ કરવાની તક પૂરી પાડવાનો છે. આ માટે વિદ્યાર્થીઓને અટીરા ની વિશેષ પ્રયોગશાળાઓ, સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેસ્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરવા મળશે. આ ઉપરાંત જીટીયુના નિયમો અનુસાર અટીરા ના સુયોગ્ય વૈજ્ઞાનિકો પીએચડી સુપરવાઇઝર અથવા કો-સુપરવાઇઝર તરીકે માર્ગદર્શન આપી શકશે.
આ ભાગીદારીથી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ અને ડિસર્ટેશન કાર્ય, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, નિષ્ણાતોના વ્યાખ્યાનો, સેમિનાર, વર્કશોપ અને કોન્ફરન્સનું આયોજન થશે, તેમજ સંયુક્ત સંશોધન અને કન્સલ્ટન્સીને વેગ મળશે. આ સહયોગ મુખ્યત્વે સ્માર્ટ ટેક્સટાઇલ્સ, નેનોફાઇબર ટેકનોલોજી, કમ્પોઝિટ મટીરીયલ્સ, સેન્સર્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ફિલ્ટરેશન ટેકનોલોજી જેવા અત્યાધુનિક ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે. આ MoU શૈક્ષણિક, સંશોધન અને ઉદ્યોગ ક્ષેત્રના સમન્વયને મજબૂત કરી વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે નવી તકો ખુલ્લી મૂકશે.
