અમદાવાદ, 14 નવેમ્બર 2025: “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોના અંતિમ દિવસે સંગઠનના સહ-સરકાર્યવાહ શ્રી આલોક કુમારજી એ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી “વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા” વિષય પર મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા. તેમણે પંચમ સરસંઘચાલક પૂજ્ય શ્રી સુદર્શનજી તથા વર્તમાન સરસંઘચાલક પૂજ્ય ડૉ. મોહન ભાગવતજીના નેતૃત્વ, કાર્યશૈલી અને રાષ્ટ્રીય જીવનમાં તેમના યોગદાન પર વિગતવાર પ્રકાશ પાડ્યો.
શ્રી આલોક કુમારજીએ સુદર્શનજીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વૈચારિક અને સંગઠનાત્મક વિકાસના મહત્ત્વપૂર્ણ સ્તંભ તરીકે વર્ણવ્યા. વિજ્ઞાન અને ઇજનેરીના વિદ્યાર્થી રહી ચૂકેલા સુદર્શનજીએ યુવાવસ્થામાં પ્રચારકનું જીવન સ્વીકારી રાષ્ટ્રીય વિકાસ, સ્વદેશી વિચાર, આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક જાગૃતિ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ વિચારો આપ્યા હતા. વર્ષ 2000માં તેઓ પંચમ સરસંઘચાલક થયા બાદ વિવિધ રાષ્ટ્રીય વિષયો—આર્થિક નીતિ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક પડકારો—પર ઊંડા સંવાદનું માર્ગદર્શન આપ્યું હતું. 15 સપ્ટેમ્બર 2012એ તેઓ લોક કલ્યાણ માટેની તેમની યાત્રા પૂર્ણ કરી ગયા હોવા છતાં, તેમનું વિચારો આજે પણ સંગઠન અને રાષ્ટ્ર માટે પ્રેરણાસ્રોત છે.
વર્તમાન અને છઠ્ઠા સરસંઘચાલક પૂજ્ય ડૉ. મોહનરાવ ભાગવતજી અંગે શ્રી આલોકજીએ જણાવ્યું કે નાગપુરથી પશુચિકિત્સા વિજ્ઞાનમાં શિક્ષિત ભાગવતજીએ 1975ના આપાતકાલ દરમિયાન સંઘ કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ દર્શાવ્યું અને 1977માં પ્રચારક જીવન સ્વીકાર્યું. 2009થી સરસંઘચાલક તરીકે રાષ્ટ્રીય એકતા, સેવા, સમરસતા, ગ્રામોદય અને આત્મનિર્ભરતા જેવા ક્ષેત્રોમાં સંગઠનને નવી દિશા આપી છે. પરંપરા અને આધુનિકતાના સંતુલન પર આધારિત તેમનું નેતૃત્વ અભ્યાસ માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે.
કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને બ્રિજેશભાઈ મેરજા, યુવરાજ સાહેબ ભાવનગર શ્રી જયવીરરાજસિંહ ગોહિલ, મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ, કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીજી (સાળંગપુર ધામ) સહિતના સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપતી હતી.
પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોમાં “સંઘના 100 વર્ષ”ની યાત્રા, સ્વતંત્રતા સંગ્રામમાં સંઘનો ફાળો, રાષ્ટ્રજીવનમાં યોગદાન અને વૈચારિક વિકાસ જેવા વિષયોનું સુંદર પ્રસ્તુતિકરણ થયું. ડૉ. હેડગેવારનું ઘર, મોહિતેવાડા, સ્મૃતિ મંદિર, વિવેકાનંદ શીલા સ્મારક, રામ મંદિર અને ભારત માતાના 3D મોડેલ ખાસ આકર્ષણ રહ્યા. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર અને કનૈયાલાલ મુનશી જેવા મહાનુભાવોની સંઘ સાથેની મુલાકાતો અને સંવાદ દર્શાવતા દસ્તાવેજો પણ જોવા મળ્યા.
ભારતીય વિચાર મંચે જણાવ્યું કે વ્યાખ્યાનમાળાનો મુખ્ય હેતુ ચિંતકો, બુદ્ધિજિવીઓ અને પ્રભાવશાળી નાગરિકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાસ્તવિક સ્વરૂપ અને તેની રાષ્ટ્રનિષ્ઠ યાત્રા સાથે પરિચિત કરાવવાનો છે. આ પ્રસંગે મુંબઈ મિન્ટ દ્વારા “100 Years of RSS” સ્મારક સિક્કાના વિશેષ વેચાણ કેન્દ્રની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ભારતીય વિચાર મંચના મહામંત્રી શ્રી ઈશાન જોશીએ જણાવ્યું:
“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ માત્ર સંસ્થાનું જ નહીં, પરંતુ રાષ્ટ્રનું પ્રેરણાસ્ત્રોત છે. આ કાર્યક્રમો દ્વારા સંઘની મૂલ્યપ્રેરિત યાત્રાનો અભ્યાસ કરાવી રાષ્ટ્રજીવનમાં નવો ઉત્સાહ અને વૈચારિક ઉર્જાનું સંવર્ધન કરવાનો અમારો સંકલ્પ છે.”
ગત 34 વર્ષથી “ભારતીય વિચાર મંચ” દ્વારા દેશ અને સમાજને અસર કરતા મુદ્દાઓ પર પુરવાર થયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મહાન ચિંતકો અને વિચારકોની વિશેષ ઉપસ્થિતિ રહે છે.
યોર્સ સિન્સિયરલી,
