સંગીત જગતના દિગ્ગજ ગાયક બી. પ્રાક સુરીલા અવાજ અને સાળંગપુર ધામના મહિમાનો અદ્ભુત સંગમ દર્શાવતી ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનની બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’નું શક્તિશાળી ભક્તિગીત ‘જય હનુમાન’ રિલીઝ કરવામાં આવ્યું છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની અસીમ કૃપા અને દિવ્ય વારસાને મોટા પડદે જીવંત કરતી આ ફિલ્મના આ ગીતે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મશહૂર ગાયક બી. પ્રાકના ભાવનાત્મક અને જોસ્સાથી ભરપૂર અવાજે આ ભજનમાં ચાર ચાંદ લગાવી દીધા છે, જેને સંગીતપ્રેમીઓ અને ભક્તો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ગીતકાર નીરજ કેરે લખેલા ગીતને પ્રશાંત સંતોષે સંગીત આપ્યું છે. ગીતની કોરિયોગ્રાફી લોકપ્રિય કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ કરી છે.
આ સોન્ગમાં સાળંગપુર ધામની પવિત્ર ભૂમિ અને શ્રી કષ્ટભંજન દેવની ભવ્ય મૂર્તિના સાનિધ્યમાં ભક્તિનો અનોખો ઉત્સવ જોવા મળે છે. કેસરી અને લાલ રંગના પરંપરાગત પોશાકમાં સજ્જ ભક્તો હાથમાં ભગવા ધ્વજ લહેરાવીને લીન થઈને નૃત્ય કરી રહ્યા છે.

બી. પ્રાક એ જણાવ્યું હતું કે,”ઘણાં વર્ષોથી મારી દિલથી ઇચ્છા હતી કે હું બજરંગબલીજી માટે કંઈક બનાવું અને ગાઉં. શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામની અસીમ કૃપાથી મારી આ ઇચ્છા ‘કિંગ ઓફ સાળંગપુર’ ફિલ્મ દ્વારા પૂર્ણ થઈ છે. મારું આ ગુજરાતી ભજન ‘જય હનુમાન’ આપ સૌના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવશે. આગામી ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ આ ભવ્ય ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે, તો આપ સૌ જરૂરથી આ ફિલ્મ જુઓ અને આ ભજન સાંભળો — જય શ્રી રામ, રાધે રાધે!”
