અમદાવાદ :અમદાવાદ ખાતે તા. 14 અને 15 માર્ચ, 2026 દરમિયાન ગુજરાત પીડિયાટ્રિક ક્રિટિકલ કેર ચેપ્ટર, એઓપી ગુજરાત , એઓપી અમદાવાદ તથા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના સહયોગથી ગંભીર રીતે બીમાર બાળકોની સારવાર વિષયક બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ “GUJPEDICRITICON 2.0” યોજાઈ હતી.
તા. 15 માર્ચે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે યોજાયેલી મુખ્ય કોન્ફરન્સમાં આશરે 250 જેટલા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોએ ભાગ લીધો, જેમાં 34 રિસર્ચ પેપર્સ રજૂ થયા. કોન્ફરન્સમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાંથી ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

કોન્ફરન્સના પ્રથમ દિવસે, તા. 14 માર્ચના રોજ શહેરની ત્રણ મુખ્ય હોસ્પિટલોમાં ગંભીર બાળકોની સારવાર અંગેના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અપોલો હોસ્પિટલ ખાતે બાળકોને લાઈફ-સેવિંગ વેન્ટિલેટર થેરાપી દ્વારા ફેફસાંના જટિલ રોગોની સારવાર અંગે ડોક્ટરો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો. જ્યારે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ગંભીર રોગોની સારવાર માટે જરૂરી પ્રોસીજર્સની તાલીમ અર્થે અત્યાધુનિક સિમ્યુલેશન આધારિત ટ્રેનિંગ યોજાઈ હતી. આ કક્ષાની ટ્રેનિંગ ગુજરાતમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 16 મોર્ડન સિમ્યુલેશન સ્ટેશન્સ અને ECMO ટ્રેનિંગની મદદથી રિયલ દર્દીમાં થતી ઈમરજન્સી સારવાર માટે ડોક્ટરોની સ્કીલ અપગ્રેડેશન અને ઈમરજન્સી રિસ્પોન્સ ઇમ્પ્રૂવમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેડી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ માટે વિશેષ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન થયું હતું.

આ અંગે ડૉ. જીતેશ રાવલ, ડૉ. અમિત ચિતલીયા, ડૉ. વૈભવ પટેલ, ડૉ. જય શાહ, ડૉ. સ્નેહલ પટેલ, ડૉ. ખંજન શાહ (અમદાવાદ), ડૉ. હિરેન પટેલ (ડીસા), ડૉ. કૃણાલ શાહ (વાપી), ડૉ. કૃતિકા ટંડન (કરમસદ), ડૉ. હિમાંશુ તડવી અને ડૉ. પ્રતીક શાહ (સુરત) એ માહિતી આપી હતી.
