સંપૂર્ણ પરિવાર સાથે માણી શકાય એવી સરજ મજાની કોમેડી ડ્રામા ફિલ્મ એટલે બિચારો બેચલર

નામ સાંભળીને જ દયા આવે બિચારો.. અને સાચે જ ફિલ્મ જોઇને દર્શકોને 28 વર્ષના વાંઢા યુવક અનુજ  પર દયા આવી જશે. એક હીરો અને 9 હિરોહીનને ચમકાવતી આ બે કલાક અને આઠ મિનિટની ફિલ્મમાં બે મહિનાનું હાસ્ય પીરસી દીધું છે. તમને થશે બે મહિનાનું હાસ્ય કેવીરીતે ?.. હા હા એમાં એવું છે કે ફિલ્મ સ્ટાર્ટીંગથી લઇને એન્ડ સુધી કોમેડી કોમેડી અને કોમેડીથી ભરપુર છે, અને કોમેડી એટલી બધી ફ્રેશ છે કે ફિલ્મના રમૂજ સીન યાદ કરીને તમે બે મહિના સુધી તો હસશો જ. ગેરંટી.

ફિલ્મની વાર્તા અનુજ (તુષાર સાધુ) ની આસપાસ ફરે છે. 28 વર્ષની ઉંમરે તે હજીપણ વાંઢો છે અને તેની સાથે ભણતા તેના મિત્રો તેમજ તેનાથી નાના યુવકો પણ પરણીને એક કે બે બાળકોના પિતા બની ગયા છે. વાંઢો હોવું એ અનુજ માટે જાણે અભિશ્રાપ હોય તેમ ઘરે, ઓફિસે, સોસાયટીમાં, મંદીરે જ્યાં પણ અનુજ જાય છે ત્યાં લોકો મ્હેણાં ટ્હોણાં મારવાનું ચૂકતા નથી. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, સુરેન્દ્રનગર, દ્વારકા, ભાવનગર – ગુજરાતનું કોઇ ગામ બાકી નથી જ્યાં અનુજ યુવતી જોવા ગયો નથી પણ દર વખતે કોઇ ને કોઇ કારણે નિરાશાજનક ના જ મળે છે. યુવતીઓને મળવાના દરેક કિસ્સામાં ફિલ્મમેકર્સે હાસ્યને બહુ જ સુંદર રીતે વાર્તા સાથો જોડ્યું છે. થિયેટર હાસ્ય અને તાળીના ગણગણાટથી ગૂંજી ઉઠે છે.

ફિલ્મમાં એક હિરો અને નવ હિરોઇન છે.. આ નવ હિરોઇનમાં ટ્વિન્કલ પટેલ, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી, ક્રિના પાઠક, તિર્થા ભટ્ટ, માધવી પટેલ, શિવાની પંચોલી, રિદ્ધી ડાંગર અને આંચલ શાહ જોવા મળે છે.  અનુજના માતા-પિતાના પાત્રમાં જૈમિની ત્રિવેદી અને પ્રશાંત બારોટની કોમિક ટાઇમિંગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવે છે. કેમ છો, વર પધરાવો સાવધાન, જીજા સાલા જીજા જેવી અનેક કોમેડી ફિલ્મોમાં ઉમદા કેરેક્ટર પ્લે કરનાર જય પંડ્યા આ ફિલ્મમાં માવા કિંગના રમૂજ પાત્રમાં જોવા મળે છે. ફિલ્મના રાઇટર-ડિરેક્ટર છે વિપુલ શર્મા.

1લી જાન્યુઆરીએ બિચારો બેચલર રિલીઝ થઇ ચૂકી છે,  બુક માય શો પર તમારી અને તમારા પરિવારની ટિકિટ બુક કરો. અને જો તમે વાંઢા છો તો તો આ તમારી જ વાર્તા છે – બિચારો બેચલર.

આ ફિલ્મને અમે 4 /5 સ્ટાર્સ આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *