વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય, કાનૂની અને આર્થિક વ્યવસ્થાઓ વર્તમાન સંકટો સામે અપૂરતા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ મળશે ૧૬ થી ૨૨ જાન્યુઆરી મુંબઈમાં યોજાનારા “વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0”(VK 4.0) કોંકલેવ અને પ્રદર્શનમાંથી. આ મહાસંમેલનના આયોજન પૂર્વે “જ્યોત”ના સંસ્થાપક પ.પૂ.આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી (પંડિત મહારાજ સાહેબ) ના આ આયોજન પાછળના વિચારો જાણવા અત્યંત રસપ્રદ થશે.
VK4.0ના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પંડિત મહારાજ સાહેબ છે.તેઓ ભગવાન મહાવીર સ્વામીના ૭૯માં વંશજ અને અજોડ વિદ્વાન સંત છે. છ દર્શનોની સાથે તેમણે કાયદા, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ભૂ રાજનીતિ જેવી આધુનિક શાખાઓનો ગહન અભ્યાસ કરેલો છે.૧૯૭૯માં સંન્યાસ લીધા બાદ તેમણે વૈશ્વિક વ્યવસ્થાના વિકાસ પર ગહન મનન-ચિંતન કરી આત્મસાત કર્યું કે ભારતીય ધર્મો અને સંસ્કૃતિઓ સામેના અનેક પડકારો માત્ર સ્થાનિક પરિબળોમાંથી નહીં પરંતુ મજબૂત વૈશ્વિક શક્તિ કેન્દ્રોમાંથી ઉદભવે છે. આ પડકારોનો ઉકેલ આપવા “વસુધૈવ કુટુંબકમ કી ઔર”સંકલ્પનાની તેમણે રચના કરી.
પંડિત મહારાજ સાહેબના મતાનુસાર VK 4.0 એ વિશ્વને એક પરિવાર તરીકે જોવાની સંકલ્પનાને નૈતિકતા,પરસ્પર નિર્ભરતા અને સામૂહિક કલ્યાણ પર આધારિત શાસન સિદ્ધાંત તરીકે પુનઃ વિચારણા કરવા આમંત્રણ આપે છે.આ સંકલ્પના હેઠળ ગંભીર સંવાદ, વિદ્વત ચર્ચા અને આબાલ-વૃદ્ધ સહુને જકડી રાખતા પ્રદર્શન દ્વારા કાયદા,શાસન અને ભૂ રાજનીતિ જેવા આધુનિક પડકારો સામે પ્રાચીન ભારતીય જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે તે દર્શાવાશે.

VK4.0 નો વિષય “સંક્રમણ કાળ” છે.તેના પર વિચારો વ્યક્ત કરતા પંડિત મહારાજ સાહેબ કહે છે કે દરેક યુગમાં એવી ક્ષણો આવે છે જ્યારે પરંપરાગત વિચારો અને માળખાઓ પોતાની ઉપયોગીતા ગુમાવવા લાગે છે.સંક્રમણ કાળ એ વિશ્વ માટે એવો સમય છે જ્યાં બાહ્ય પ્રગતિ ઝડપી થઈ છે પરંતુ તેને સંભાળતી વ્યવસ્થાઓ જૂની અને પરંપરાગત છે. શોષણ અને તાનાશાહીના યુગમાંથી જવાબદારી,સંયમ અને પરસ્પર નિર્ભરતાના યુગ તરફ જવાની આજે મનાવતા માટે તક ઊભી થઈ રહી છે.ન્યાયનું શાસન અને વસુધૈવ કુટુંબકમ જેવા સર્વકાલીન સિદ્ધાંતો આ ઉથલપાથલના સમયમાં માર્ગદર્શક બની શકે છે.
આજે માત્ર ભારતીય સમાજ સામેના પડકારો ભારતમાં જ ઉભા નથી થયા પણ તે વૈશ્વિક સ્તરે છવાયેલા છે. જો વિશ્વ વ્યવસ્થા સદીઓથી વિજયો,વંશવેલા અને કાનૂની સંકલ્પના ઉપર ઊભી કરવામાં આવી હોય તો તેની અસર સ્વાભાવિક રીતે અહિંસા,બહુવિધતા અને આત્મસંયમને મૂલ્ય આપતી સંસ્કૃતિ પર પડે છે. જો આપણે આ વ્યવસ્થાઓ કઈ રીતે રચાઈ તે ન સમજીએ તો ભારતની આધ્યાત્મિક ધરોહરને સુરક્ષિત નહીં રાખી શકીએ.
એટલે જ VK4.0 માં યોજાનારા પ્રદર્શનને મુલાકાતીઓ એક વિચારમંથનના ભાગરૂપે જુએ તો જરૂરી છે.અહીં ન્યાય શું છે?પ્રગતિની વ્યાખ્યા કોણ નક્કી કરે છે? વૈશ્વિક વ્યવહારમાં ધર્મ (કર્તવ્ય/ જવાબદારી)ની ભૂમિકા શું છે આવા અત્યંત મહત્વના પ્રશ્નોના જવાબો દરેક વયની વ્યક્તિને મળશે.
આ મહાસંમેલનમાં યોજનારી કાનૂની અને સંવિધાનિક પેનલમાં મૂળભૂત અધિકારો, સંવિધાનિક નૈતિકતા અને શાસન પર સુપ્રીમ કોર્ટ,હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો, સિનિયર ધારાશાસ્ત્રીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ વિદ્વત ચર્ચા કરશે. તથા ભૂ રાજનીતિ વિદ્વાનોની પેનલ “પ્રાચીન જ્ઞાનના મૂળમાં રહેલી નૈતિક કૂટનીતિ તરીકે રાજનીતિ” જેવા વૈશ્વિક પરિપ્રેક્ષ્યના વિષય પર વિશદ ચર્ચા કરશે.જેમાં વર્તમાન અને પૂર્વ ડિપ્લોમેટ્સ, ભૂ રાજનીતિ સાથે સંકળાયેલા વિદ્વાનો અને યુવાઓ જોડાશે.આ કોંકલેવમાં વિદેશ મંત્રાલય સહિતની અગ્રગણ્ય સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો છે.
આ તકે ભારતીય સંસ્કૃતિ સામેના પડકારોનો ઉકેલ આપતા પંડિત મહારાજ સાહેબ ત્રણ મહત્વપૂર્ણ પગલાં સૂચવે છે.૧) બૌદ્ધિક ડીકોલોનાઈઝેશન,૨) સાંસ્કૃતિક આત્મવિશ્વાસ અને ૩)વ્યૂહાત્મક ભાગીદારી.ભારતે બહારથી આયાત કરેલી વ્યવસ્થાઓને બદલે પોતાના સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી,આત્મગ્લાનિ અનુભવ્યા વગર સ્વમૂલ્યાંકન કરવું જોઈએ તથા વૈશ્વિક સંસ્થાઓમાં કોઈનું અનુકરણ કર્યા વિના પોતાના હિતોની સ્પષ્ટતા સાથે ભાગ લેવો જોઈએ. વસુધૈવ કુટુંબકમને માત્ર સૂત્ર તરીકે નહીં પરંતુ વિશ્વદ્રષ્ટિ તરીકે સમજવું પડશે.વિશ્વ ત્યારે જ એક પરિવાર બની શકે જ્યારે દરેક સભ્ય અન્યના ગૌરવ અને આધ્યાત્મિક સ્વતંત્રતાનું સન્માન કરે.આ સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વિશ્વ પર શાસન કરવાની નહીં પરંતુ તેને સંતુલન તરફ લઈ જવા માટે માર્ગદર્શન આપવાની છે.જ્ઞાન મૈત્રીભાવ સાથે અને સત્તા સંયમ સાથે જોડાય તે VK4.0 ના આયોજનનું હાર્દ છે.
આ મહાસંમેલનની સાથે સાથે અનેક યુવાલક્ષી બૌદ્ધિક પ્રવૃત્તિઓ જેવી કે મોડેલ યુનાઇટેડ નેશન્સ, નાલંદાવાદ(ડીબેટ) સ્ટ્રીટ પ્લે, ડ્રોન-શો સહિતના કાર્યક્રમો યોજાશે.મહાસંમેલનના ભાગરૂપે VK4.0 પ્રદર્શન મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં અને કાનૂની-ભૂ રાજનીતિ પરની પેનલ ચર્ચા ગોકુલદાસ તેજપાલ પરિસરમાં યોજાશે.કાર્યક્રમમાં ભાગ લેવા અને વધુ વિગતો માટે વેબસાઈટ vk.jyot.in ની મુલાકાત લો.
(સિદ્ધાર્થ દવેની પંડિત મહારાજ સાહેબ સાથેની મુલાકાત પરથી સંકલન: પ્રો.(ડૉ) શિરીષ કાશીકર)
( પ્રો.(ડૉ)શિરીષ કાશીકર NIMCJ ના નિયામક છે અને VK 4.0 ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય છે)
