બાપ દિકરીના પ્રેમની અનોખી કહાણી એટલે “જય કનૈયાલાલ કી”

ફિલ્મનું નામ સાંભળીને દર્શકોને થશે કે ફિલ્મ યશોદાના નંદલાલા ‘કનૈયા’ પર બની હશે, પણ ફિલ્મ ધાર્મિક વાર્તા જરાપણ નથી, ફિલ્મ એક સોશ્યલ ડ્રામા છે. ફિલ્મની વાર્તા ગુજરાતના એક નાનકડા ગામ ‘વસો’થી શરુ થાય છે. જ્યાં ઇજનેર કનૈયાલાલ એટલે કે સૌના ચહિતા સિદ્ધાર્થ રાંદેરિયા, રિટાયર થઇ રહ્યા છે, કંપનીમાંથી તેઓ બહુ બધી યાદો અને પીએફના 30 લાખ રુપિયાના ચેક લઇને રજા લે છે, અને ચેક ગામની એક કો-ઓપરેટિવ બેન્કમાં જમા કરાવે છે.

કનૈયાલાલના પરિવારમાં તેમની પત્ની પુષ્પા  (વૈશાલી ઠક્કર), એક દિકરો (શ્રેય મારડિયા) અને એક દિકરી (અનેરી વાજાણી) છે. રિટાયર થયા બાદ કનૈયાલાલ પરિવાર સાથે સમય વીતાવે છે. ઘરના પરચૂરણ કામો જેમકે લાઇટ પંખા રિપેરિંગ, પાણીના નળ રિપેરિંગ વગેેરે જેવા કામોમાં ધ્યાન આપીને કનૈયાલાલ રિટાયર લાઇફ વીતાવે છે.

કનૈયાલાલની દિકરીને મંગળ છે, આથી મંગળ હોય તેવા જ મુરતિયાની તેમને તલાશ હોય છે, એવામાં વડોદરાથી સારા ઘરનું માંગુ તેમની દિકરી માટે આવે છે અને લગ્નનું પાકું પણ થઇ જાય છે. કનૈયાલાલ પોતાની દિકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરવાના સપના જોવે છે. એવામાં જ તેમનું જે બેન્કમાં એકાઉન્ટ છે તે બેન્કમાંથી કરોડો રુપિયાની લોન લઇને ભાગેડુ વિદેશ જતા રહે છે જેના કારણે આરબીઆઇની ગાઇડલાઇન હેઠળ આ બેન્ક હવે પ્રતિદિન માત્ર 1500 રુપિયાથી વધારેનો ઉપાડ એકપણ એકાઉન્ટ હોલ્ડરને આપી શકશે નહી. કનૈયાલાલને માથે જાણ આભ પડ્યું હોય તેવા આઘાતમાં તેઓ સરી પડે છે. એકબાજું દિકરીના લગ્નની તૈયારીઓ કરવાની, ડેકોરેશન, કેટરિંગ, પાર્ટીપ્લોટ બધાને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, માત્ર બાકી છે તો પૈસાની ચૂકવણી. તો શું કનૈયાલાલની દિકરીના લગ્ન મોકૂફ રાખવામાં આવે છે ? કે પછી તારીખ પાછળ ઠેલાય છે.?

ના ! ન તો લગ્ન મોકુફ રાખવામાં આવે છે અને ન તો તારીખ પાછળ ઠેલાય છે.. દિકરીની કુંડળી પ્રમાણે જો દિકરીના લગ્ન 20 દિવસમાં ન થાય તો પછી 7 વર્ષ સુધી લગ્નયોગ બનતા નથી, અને જો એ 7 વર્ષ દરમ્યાન લગ્ન થશે ત દિકરીનું જીવન તકલીફોથી ઘેરાઇ જશે. કનૈયાલાલ પાસે લગ્ન કરાવવા સિવાય વિકલ્પ નથી, તે દિકરીને અનહદ પ્રેમ કરે છે, દિકરીની ખુશી માટે કનૈયાલાલ કંઇ પણ કરી ચૂકવા તૈયાર છે. કનૈયાલાલે ક્યાંક સાંભળ્યું હતું કે પોતાના અધિકાર માટેની લડાઇ એ પાપ નથી. અને પછી બેન્કમાં જમા પડેલી 30 લાખથી પણ વધુ રકમની તેમની જીવનભરની મૂડીને પરત મેળવવા તે બેન્ક લૂંટવાનો પ્લાન ઘડે છે. અને આ પ્લાનમાં તેમના ધર્મપત્ની  પૂરેપૂરો સાથ આપે છે. બંને સાથે મળીને બેન્ક લૂંટે છે અને લૂંટની રકમમાંથી દિકરીના ધામધૂમથી લગ્ન કરાવે છે.

આ બેન્ક રોબરીના કેસને સોલ્વ કરવા માટે ઇન્સપેક્ટર ગોવર્ધન રાઠોડ (હિતુ કનોડિયા) ની એન્ટ્રી થાય છે અને પછી તો જે સ્માર્ટનેસથી  તે એક પછી એક કડી જોડતા કનૈયાલાલ સુધી પહોંચે છે અને એનાથી પણ વધુ સ્માર્ટનેસ સાથે કનૈયાલાલ દરેક વખતે ઇન્સપેક્ટરને હાથતાળી આપી છટકી જાય છે. કનૈયાલાલ એકપણ એવો પુરાવો છોડતા નથી જેનાથી ઇન્સપેક્ટરનો હાથ તેમની ગરદન સુધી પહોંચે. ઉંદર બિલાડીની રમતની જેમ આ ચોર પોલિસની રમત ફિલ્મને વધુ મનોરંજક બનાવે છે.

ઇન્ટરવલ પહેલા ફિલ્મ થોડી સ્લો જાય છે પરંતુ ઇન્ટરવલ પછી ફિલ્મ પ્રેક્ષકોની જકડી રાખવામાં સફળ નિવડે છે. સિદ્ધાર્થ રાંદેરિયાની કોમિક ટાઇમિંગ અદ્દભુત છે. પિતા-દિકરીના હેતની હૃદયસ્પર્શી કહાણી, તો પતિ-પત્નીના સથવારાની વાત મેકર્સે ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. ઇન્સપેક્ટર રાઠોડના પાત્રમાં હિતુ કનોડિયાનો ઉમદા અભિનય દર્શકોને મજા કરાવે છે. ફિલ્મના ગીતો બહુ ઠીકઠાક છે, ફરી સાંભળવા ગમે એવા જરાપણ નથી. પરંતુ કેદાર-ભાર્ગવનું  મ્યુઝિક ખૂબ જ  ઉમદા છે. ફિ્લમને ડિરેક્ટ કરી છે ધર્મેશ એસ. મહેતા, જેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રથમ 500 એપિસોડ ડિરેક્ટ કર્યા છે.  ફિલ્મના રાઇટરમાં ત્રણ નામ છે – અમિત આર્યન, ભાર્ગવ ત્રિવેદી અને ધર્મેશ એસ. મહેતા. એસવીએફ પ્રોડક્શનના બેનર હેઠળ રજૂ આ ફિલ્મ “જય કનૈયાલાલ કી” એ કોમેડી ડ્રામાની સાથે સાથે સામાજિક સંદેશો પણ પાઠવે છે. ફિલ્મ 9મી જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી છે.

ન્યૂઝ આસપાસ તરફથી પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *