માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સિનેમાના માધ્યમથી સાકાર કરતી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ આગામી 20મી ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજ માટે એક ગહન વિચાર જાગરણનું અભિયાન છે જે શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાનો દીવો પ્રગટાવવાનો ઉમદા હેતુ ધરાવે છે.
નોંધનીય છે કે આ ફિલ્મની જાહેરાત માટે 1 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલિસ મોલના ગ્રાન્ડ સ્પ્રી બેન્ક્વેટ ખાતે શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા એક વિશેષ ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તેમનો જન્મદિન પણ આ જ દિવસે હતો.. આ સામાજિક ફિલ્મ દરેક દીકરીઓના સપનાઓને પાંખો આપવાની સાથે ગુજરાતી સિનેમાના ગૌરવમાં વધારો કરશે.
શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે, ” ‘દીકરીને આપો જ્ઞાન, એ જ નારી સન્માન’ના પ્રેરણાદાયી મંત્ર સાથે રજૂ થતી આ ફિલ્મ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને બાળલગ્ન જેવી સામાજિક કુપ્રથાઓ વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે.”
રાજભા ફિલ્મ્સના બેનર હેઠળ અને અખિલ કોટક પ્રોડક્શનના સહયોગમાં નિર્મિત આ ફિલ્મના સર્જક શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ છે અને તેનું દિગ્દર્શન શ્રી અખિલ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શ્રીમતી મોના થીબા કનોડિયા જોવા મળશે, જ્યારે સાથી કલાકારો તરીકે શ્રી અરવિંદભાઈ વેગડા અને શ્રી શૌનકભાઈ વ્યાસે પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. આ ફિલ્મનું વિશેષ આકર્ષણ મહેમાન કલાકાર તરીકે સુપરસ્ટાર શ્રી હિતુભાઈ કનોડિયાની હાજરી છે. ડૉ. નિરજ મહેતાએ આ ફિલ્મના ગીત, પટકથા અને સંવાદો લખ્યા છે, જ્યારે નીરજ વ્યાસે સંગીત આપ્યું છે. આ ફિલ્મ દરેક દીકરીઓના સપનાઓને પાંખો આપી ગુજરાતી સિનેમાને એક નવું ગૌરવ અપાવવા માટે સજ્જ છે.
