રેટિંગ: ★★★★☆ (4/5)
આજે જ્યારે આખું વિશ્વ ડિજિટલ બની રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઈમ પણ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. આ ગંભીર વિષય પર આધારિત ફિલ્મ ‘ધરપકડ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પરની આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ દરેક સ્માર્ટફોન વાપરનાર માટે એક લાલબત્તી સમાન છે.
ફિલ્મની વાર્તા અર્જુન શાહ (મલ્હાર ઠાકર)ની આસપાસ ફરે છે. અર્જુનની માતા હોસ્પિટલમાં છે અને તેને સારવાર માટે પૈસાની સખત જરૂર છે. આ મુશ્કેલ સમયમાં અર્જુનના પિતા ભદ્રેશ શાહ (પ્રશાંત બારોટ) અચાનક એક અજાણ્યો ફોન કોલ આવે છે અને સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે. ફોન પર કહેવામાં આવે છે કે, “તમારા દીકરા અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.”
ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે રીતે આપણો ડેટા શેર કરીએ છીએ, સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને કેવી રીતે ટાર્ગેટ નક્કી કરે છે તે અહીં આબેહૂબ બતાવવામાં આવ્યું છે. પોલીસના નામે આવતા ફેક વિડિયો કોલ્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે ઘરમાં જ કેદ કરી લાખોની લૂંટના દ્રશ્યો હચમચાવી દે તેવા છે. અર્જુન આ અદ્રશ્ય દુશ્મનો સામે કેવી રીતે લડે છે અને આ ‘મોટી ગેમ’નો પર્દાફાશ કેવી રીતે કરે છે, તે જોવા જેવું છે.
મલ્હાર ઠાકર ફરી એકવાર સાબિત કરે છે કે તે કેમ ગુજરાતી સિનેમાનો સુપરસ્ટાર છે. અર્જુન શાહના રોલમાં તેની લાચારી, આક્રોશ અને સાયબર ઠગ્સને પકડવા માટેની તેની મક્કમતા લાજવાબ છે. બીજી તરફ, મલ્હારના મિત્ર ‘બંટી’ના રોલમાં શ્રુહદ ગોસ્વામીએ અદભૂત કામ કર્યું છે. બંનેની જોડી પહેલીવાર પડદા પર જોવા મળી છે અને તેમની મિત્રતા વાર્તામાં એક અલગ જ ભાવનાત્મક પાસું ઉમેરે છે. પ્રશાંત બારોટ અને જય ભટ્ટ જેવા કલાકારોએ પણ પોતપોતાના પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે.
દિગ્દર્શક અનિશ શાહનું કામ કાબિલે તારીફ છે. તેમણે એક જટિલ વિષયને અત્યંત સરળતાથી અને રોમાંચક રીતે રજૂ કર્યો છે. ફિલ્મની ગતિ ક્યાંય ધીમી પડતી નથી. સાયબર ક્રાઈમની ગંભીરતા સાથે મધ્યમવર્ગીય પરિવારની સંવેદનાઓને વણવામાં અનિશ શાહ સફળ રહ્યા છે. ફિલ્મના લેખકો હિમાલય દવે, અંકિત ગોર અને દેવ મહેતા એ ડિજિટલ અરેસ્ટના પાસાઓ પર ઊંડું સંશોધન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
‘ધરપકડ’ એ એક જાગૃતિ ફેલાવતી ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. જો તમે કંઈક નવું અને અર્થસભર જોવા માંગતા હોવ, તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.
સ્ટાર કાસ્ટ: મલ્હાર ઠાકર (અર્જુન શાહ), શ્રુહદ ગોસ્વામી (બંટી), પ્રશાંત બારોટ (ભદ્રેશ શા), જય ભટ્ટ, પ્રતીક રાઠોડ. આરતી દેસાઈ, રવિ રંજન, શૃંગાર રુઘાની
દિગ્દર્શક: અનિશ શાહ
