અમદાવાદ સ્થિત અગ્રવાલ સમાજની અગ્રણી અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ‘અગ્રવાલ સેવા સમિતિ’ દ્વારા આયોજિત બે દિવસીય ભવ્ય રમતગમત મહોત્સવ “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” થલતેજના પ્રખ્યાત બેનબ્રિજ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ, ભવ્ય અને રોમાંચક માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. અગ્રવાલ સમાજના યુવાનો, બહેનો અને વડીલોને સ્પોર્ટ્સના માધ્યમથી એક મંચ પર લાવવાના અને પરસ્પર મેલ-મિલાપ વધારવાના આ અનોખા સામાજિક આયોજનને સમગ્ર અગ્રવાલ સમાજ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. અગ્રવાલ સેવા સમિતિ’ના અધ્યક્ષ વિનોદ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું. અગ્રવાલ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી વિનોદ અગ્રવાલ એ ઉપસ્થિત સમાજજનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે રમતગમત સમાજને એક મંચ પર લાવી પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવે છે. તેમણે સમાજના તમામ પરિવારોને આગામી કાર્યક્રમોમાં પણ સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો
સિલ્વર ઓક યુનિવર્સિટીના મુખ્ય પ્રાયોજક પદ હેઠળ યોજાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં જુદા-જુદા વયજૂથ અને વિવિધ કેટેગરીમાં કુલ ૨૩૭ જેટલા ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. બે દિવસ સુધી ચાલેલી આ હાઈ-ઓક્ટેન સ્પર્ધામાં ખેલાડીઓએ અદભુત ખેલદિલી, શારીરિક સ્ફૂર્તિ અને રમત પ્રત્યેનું અદભુત સમર્પણ પ્રદર્શિત કરીને ઉપસ્થિત હજારો દર્શકોના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને ફાઈનલ મેચો દરમિયાન ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર અને રોમાંચક જંગ જોવા મળ્યો હતો.
આ આયોજન માત્ર એક રમતગમતની સ્પર્ધા પૂરતું મર્યાદિત ન રહેતા, અગ્રવાલ પરિવારો માટે સ્નેહ મિલન અને આનંદ ઉલ્લાસનું એક સશક્ત માધ્યમ બન્યું હતું. આ સ્પર્ધા નિહાળવા અને ખેલાડીઓનું મનોબળ વધારવા માટે મોટી સંખ્યામાં ખેલાડીઓના પરિવારજનો અને અગ્રવાલ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટના ગ્રાન્ડ ફિનાલે અને સમાપન સમારોહ દરમિયાન અગ્રવાલ સેવા સમિતિના પદાધિકારીઓ દ્વારા વિજેતા અને રનર્સ-અપ ખેલાડીઓને ભવ્ય ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, મેદાન પર ખેલાડીઓનો જોશ અને સ્ટેન્ડ્સમાં પરિવારોની ભવ્ય હાજરીએ આ ટુર્નામેન્ટને ઐતિહાસિક અને યાદગાર બનાવી દીધી છે. તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, રમતપ્રેમીઓ અને આ ભવ્ય ઈવેન્ટને સફળ બનાવવામાં રાત-દિવસ મહેનત કરનાર સમિતિના તમામ સભ્યો, સ્વયંસેવકો તથા સ્પોન્સર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં મુખ્ય પ્રાયોજક સિલ્વર ઓક યુનિવર્સિટી ઉપરાંત કો-સ્પોન્સર્સ તરીકે Match Graphics, Digitech Solutions, Burakia Group અને Globe Ecologistics Pvt. Ltd. એ પોતાનો વિશેષ અને પ્રશંસનીય આર્થિક તેમજ નૈતિક સહયોગ આપ્યો હતો. સમિતિએ અંતમાં ઉમેર્યું હતું કે આગામી સમયમાં પણ સમાજમાં ફિટનેસ, સામાજિક એકતા અને ભાઈચારો મજબૂત થાય તે હેતુથી આવા સુંદર આયોજનો અવિરતપણે કરવામાં આવશે.
